બ્રિટિશ ડ્રગ રેગ્યુલેટર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો દેશભરમાં કોરોનાવાયરસ રસી મૂકવાનું આવતા મહિને શરૂ થશે. સરકારે યુકેના ડ્રગ વોચડૉગ, MHRAને ફાર્માસ્યુટિકલ કંપનીઓ ફાઇઝર અને બાયોએનટેક દ્વારા બનાવવામાં આવેલી રસીનું મૂલ્યાંકન કરવા કહ્યું છે અને તેમને આશા છે કે જાન્યુઆરીના અંત સુધીમાં તમામ વય જૂથો રસી મેળવવાની શરૂઆત કરશે એમ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે શુક્રવારે સાંજે ટીવી બ્રફીંગમાં જણાવ્યું હતું.
લીક થયેલી એનએચએસ યોજના બતાવે છે કે જો આ વર્ષે કોરોનાવાયરસ રસીને મંજૂરી આપવામાં આવે તો જાન્યુઆરીના મધ્યભાગમાં, બધા પુખ્ત વયના લોકો માટે રસી ઉપલબ્ધ થઈ શકે છે. સમયપત્રક મુજબ આવતા મહિનામાં સૌથી વધુ નબળા લોકોને આ રસી અપાશે અને પછી વય દ્વારા લોકોને ફિલ્ટર કરશે. યોજના મુજબ સૌથી ઓછુ જોખમ ધરાવતા જૂથના – 55 વર્ષથી ઓછી વયના તંદુરસ્ત પુખ્ત વયના લોકોને પણ જો બધું જ યોજના મુજબ ચાલશે તો આગામી ફક્ત બે મહિનાના સમયગાળામાં રસી આપવાનું શરૂ થઇ શકે છે. આવતા મહિને અપેક્ષિત સાત મિલિયન ડોઝ આવી જશે તેવો અંદાજ છે. પરંતુ મોટાભાગના 18 થી 50 વર્ષના લોકો જેમની કોવિડ-19થી મૃત્યુ પામવાની શક્યતા ઓછી છે તેમને માર્ચમાં રસી આપવામાં આવશે.
આ અઠવાડિયાના અંતમાં આવેલા ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામોમાં જેબ તમામ ઉંમરના લોકોને કોરોનાવાયરસથી બચાવવા માટે 95 ટકા જેટલી અસરકારક સાબિત થઇ છે. એક ડોઝની £15 જેટલી કિંમત ધરાવતી રસી એમએચઆરએ દ્વારા મંજૂર થશે તેમ જણાય છે, જે લોકોને મફત અપાશે. જોકે મોડેર્ના અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસી પણ તેની પાછળ જ છે.
શુક્રવાર તા. 20ના કોરોનાવાયરસના આંકડા મુજબ ગયા શુક્રવારની સરખામણીએ કેસોની સંખ્યા 26% નીચે છે પરંતુ તે જ સમયગાળા દરમિયાન મૃત્યુની સંખ્યામાં 36%નો વધારો થયો છે. બ્રિટને શુક્રવાર તા. 20ના રોજ બીજા 20,252 કોરોનાવાયરસ પોઝીટીવ દર્દીઓની પુષ્ટિ કરી છે અને 511 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ગત સપ્તાહે આ વખતે 376 લોકો મરણ પામ્યા હતા.
SAGEએ જણાવ્યું હતું કે વાયરસનો આર રેટ સતત બીજા અઠવાડિયે ઘટી ગયો છે અને યુકેના દરેક ક્ષેત્રમાં તે 1.0 અથવા તેથી નીચો હોઈ શકે છે. સમગ્ર દેશનો આર રેટ અંદાજ 1.0 અને 1.1 ની વચ્ચે છે, જે બીજો તરંગ શરૂ થયા પહેલા, સપ્ટેમ્બરની શરૂઆત પછીનો સૌથી નીચો આંકડો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના તા. 20ના ડેટા મુજબ દૈનિક ચેપ 47,7૦૦થી ઘટીને, 38,9૦૦ જેટલો થયો છે. 8 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન ચેપમાં 18 ટકાનો ઘટાડો થયો છે.
પ્રોફેસર લોકડાઉન તરીકે ઓળખાતા પ્રો. નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી હતી કે મોટાભાગના કોવિડ પ્રતિબંધો તા. 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય શટડાઉન સમાપ્ત થયા પછી પણ રહેવા જોઈએ નહિં તો ચેપ ‘રિબાઉન્ડ’ કરશે. નોર્ધન આયર્લેન્ડ ખોલાયાના થોડા જ દિવસો પછી ફરીથી લોકડાઉનમાં જઇ રહ્યું છે. જેમાં અન્ય બિન-જરૂરી દુકાનો, હેર સલુન્સ અને કાફેને આગામી શુક્રવારથી બીજા બે અઠવાડિયા સુધી બંધ કરવાની ફરજ પડી છે.
ચાન્સેલર ઋષિ સુનકને ટ્રેડ યુનિયન સાથેની લડતનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેઓ જાહેર ક્ષેત્રના નર્સો અને ડોકટરો સિવાયના પાંચ મિલિયન કામદારોના પગારનો વધારો નહિં કરવાનો મત ધરાવે છે. ઑક્સફર્ડના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 એન્ટિબોડીઝવાળા લોકો ઓછામાં ઓછા છ મહિના સુધી રિઇફેક્શન સામે સુરક્ષિત છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી ક્રિસમસ પહેલા આવે તેવી સંભાવના નથી
ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ રસીનો ઉપયોગ ક્રિસમસ પહેલા યુકેમાં થવાની સંભાવના નથી. કારણ કે આ પ્રોજેક્ટ ચલાવતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેઓ ડિસેમ્બર સુધીમાં રેગ્યુલેટર્સને પરિણામો આપે તેવી અપેક્ષા નથી. આ રસી માટે યુકે સરકારે 100 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે અને રોગચાળાને સમાપ્ત કરવાની બ્રિટનની સૌથી મોટી આશા માનવામાં આવે છે. આ પ્રોજેક્ટની પાછળના વૈજ્ઞાનિકોએ તા. 20ના રોજ જેબના પ્રારંભિક અજમાયશના પરિણામો પ્રકાશિત કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે બે ડોઝથી તમામ વય જૂથોના 99 ટકા લોકોમાં પ્રતિરક્ષાના મજબૂત સંકેત સર્જાયા છે.
સંશોધનકારોએ તા. 20ના રોજ પ્રકાશિત કરેલા અભ્યાસ મુજબ તેમની રસી વૃદ્ધ લોકોમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયા આપે છે, જેમને મોટાભાગના ગંભીર કોવિડ-19 રોગનું જોખમ હોય છે, અને તે પરીક્ષણોમાં કોઇ જોખમ જણાયું નથી.
ઑક્સફર્ડ વેક્સીન ગ્રુપના ડિરેક્ટર પ્રોફેસર એન્ડ્ર્યૂ પોલાર્ડે તા. 20ના રોજ કહ્યું હતું કે ‘’અમે આશાવાદી છીએ કે આ અભ્યાસ પરિણામો લાવશે. તેમણે લાઇસન્સ મેળવવાની અને ત્યારબાદ ક્લિનિક્સમાં પહોંચાડવાની પ્રક્રિયા આપણા નિયંત્રણમાં નથી અને અઠવાડિયા કરતા વધુ સમય લાગી શકે છે.’’
ઑક્સફર્ડની રસીના પ્રથમ ડોઝના 28 દિવસની અંદર, તમામ વય જૂથોના લોકોએ બેઅસર એન્ટિબોડીઝ વિકસિત કર્યા છે, અને બીજા ડોઝ પછી આમાં વધુ વધારો થયો છે.