ભારતની કોરોના વેક્સિન ‘કોવિશિલ્ડ’ને માન્ય નહીં રાખવાના યુકે સરકારના નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવતા ભારતે જણાવ્યું હતું કે આ મુદ્દાનો ઉકેલ નહીં આવે તો ભારતને વળતાં પગલાં લેવાનો અધિકાર છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું કે યુકે સરકારના આ નિર્ણયથી ભારતના નાગરિકોને બ્રિટનનો પ્રવાસ કરવામાં અસર થશે.
નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં શ્રીંગલાએ જણાવ્યું હતું કે “કોવિશિલ્ડને માન્ય નહીં રાખવાનો નિર્ણય ભેદભાવપૂર્ણ નીતિ છે અને યુકેના પ્રવાસે જતા અમારા નાગરિકોને અસર થાય છે. ભારતના વિદેશ પ્રધાને યુકેના નવા વિદેશ પ્રધાન સમક્ષ આ મુદ્દો ભારપૂર્વક રજૂ કર્યો છે. બ્રિટને એવું આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દાનો ઉકેલ આવશે, એવું મને જણાવાયું છે”
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બ્રિટનના વિદેશ પ્રધાન લીઝ ટ્રુસ સાથે આ મુદ્દાની ચર્ચા કરી હોવાનું ટ્વીટ કર્યા બાદ શ્રીંગલાએ આ ટીપ્પણી કરી હતી. યુએન જનરલ એસેમ્બલીના 76માં અધિવેશનમાં બંને પ્રધાનો વચ્ચે આ મુદ્દાની ચર્ચા થઈ હતી. યુકેએ કોરોના સંબંધિત નવા ટ્રાવેલ નિયંત્રણોની જાહેરાત કરી તે દિવસે જ ન્યૂ યોર્કમાં આ બેઠક થઈ હતી. યુકેના નવા ટ્રાવેલ નિયંત્રણોની ભારતમાં જોરદાર ટીકા થઈ રહી છે. આ નવા નિયમો મુજબ યુકે દ્વારા ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ) દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતના પ્રવાસીઓને વેક્સિન નહીં લીધેલા ગણાશે અને તેઓએ યુકે ગયા પછી 10 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે.