કાળમુખા કોરોનાવાયરસ સામે લડવા માટે ફાઈઝર અને બાયોએનટેક દ્વારા બનાવાઇ રહેલી રસી ‘ખરેખર પ્રભાવશાળી’ હોવાની ઘોષણા કરાઇ છે અને તેને કારણે યુકેના લોકોનું જીવન વસંત ઋતુ પહેલા સામાન્ય થઇ જશે. ટૂંક સમયમાં જ લોકોને રસી આપવા અંગે રેગ્યુલેટર્સની મંજૂરી લેવામાં આવશે. વડાપ્રધાન બોરીસ જ્હોન્સને વચન આપ્યું છે કે યુકેના 5 મિલીયન લોકો માટે જરૂરી એવા 10 મિલીયન રસીના ડોઝ ક્રિસમસ પહેલા મળી જશે અને યુકે દ્વારા આપવામાં આવેલો 40 મિલિયન રસીનો ડોઝ વસંત ઋતુ પહેલા મળી જશે. પરંતુ પીએમે બ્રિટનના લોકોને વિનંતી કરી છે કે લોકડાઉન બાબતે જે તકેદારી દાખવવામાં આવે છે તે જાળવી રાખવામાં આવે.
મિનીસ્ટર્સે ખુલાસો કર્યો છે કે કોરોનાવાયરસ સામેની રસી મેળવનારા લોકોમાં સૌથી પહેલો કેર હોમ નિવાસીઓ અને સ્ટાફ, ત્યારબાદ 80થી વધુ વયના લોકો અને સોશ્યલ કેર વર્કર, એનએચએસ કાર્યકરો રહેશે. તે પછી વય પ્રમાણે લોકોને રસી આપવામાં આવશે. પરંતુ જેસીવીઆઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સૂચિને ‘નિર્ણાયક માનવામાં આવતી નથી’ કારણ કે જોખમ ધરાવતા જૂથો પર હજી વધુ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
ફિઝીયોથેરાપીસ્ટ અને પેરામેડિક્સને કોવિડ જેબ્સ પહોંચાડવા માટે તાલીમ આપવામાં આવશે, જેથી શિયાળા દરમિયાન એનએચએસ તેના સમૂહ રસીકરણ કાર્યક્રમ હાથ ધરશે. યુકેએ જેબના 40 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે જે 20 મિલિયન લોકોને આવરી લેવા માટે પૂરતો છે.
ફાઇઝરના વડા આલ્બર્ટ બોરૂલાએ ‘ટનલના છેડે પ્રકાશ’ દેખાતો હોવાનું જણાવી આ સફળતાને ‘વિજ્ઞાન અને માનવતા માટેનો મહાન દિવસ ગણાવ્યો હતો. ફાઇઝરે થોડા સમય પહેલા જ રસીનું ઉત્પાદન શરૂ છે અને તેમનું માનવું છે કે આ વર્ષે તેમની પાસે 50 મિલિયન અને આવતા વર્ષે 1.3 બિલીયન રસીના ડોઝ હશે, જેમાં વધારો થતો રહેશે. જ્યારે સ્વતંત્ર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પરિણામો ‘ઉત્તમ અને ખરેખર પ્રભાવશાળી’ હતા. ડેપ્યુટી મેડિકલ ચિફ જોનાથન વેન-ટેમે જણાવ્યું હતું કે રસીના સંશોધન માટે કાર્યરત અન્ય મુખ્ય ઉત્પાદકોને પણ સારા સમાચાર મળ્યા છે કારણ કે તેઓ સમાન અભિગમનો ઉપયોગ કરી રહ્યા છે.
રસી બનાવનાર ફાઇઝર અને બાયોએનટેક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે મોટા ક્લિનિકલ ટ્રાયલના પ્રારંભિક પરિણામોમાં રસીનો ડોઝ મેળવનારા દર 10માંથી 9 લોકોએ સૂચવ્યું હતું કે તેઓ કોરોનાવાયરસ સામે સુરક્ષિત છે. આ જાહેરાત પછી એફટીએસઇ 100 ઇન્ડેક્સે તેના શ્રેષ્ઠ દિવસનો અનુભવ કર્યો હતો. એરલાઇન્સ અને હોસ્પિટાલિટી કંપનીઓના શેર વૈશ્વિક સ્તરે વધી રહ્યા હતા. જોકે ઝૂમના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો.
તા. 9ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં, બોરિસ જ્હોન્સને ચેતવણી આપી હતી કે ‘’દેશ હવે કરી શકે તેવી સૌથી મોટી ભૂલ ‘આપણા સંકલ્પને ઢીલો કરવાની છે. હવે નિયમોનું પાલન પહેલા કરતાં વધુ મહત્વનું છે. આપણે રોગચાળાના સમાધાન તરીકે આ સમાચાર પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકીએ નહીં.’
ડેઇલી મેઇલ ઑનલાઇન માને છે કે ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની કોરોનાવાયરસની રસીના સલામતી અને અસરકારકતાના ડેટા આવતા અઠવાડિયે પ્રકાશિત થવાની તૈયારીમાં છે, જેનો અર્થ છે કે જેબ માટે વાસ્તવિક મંજૂરીની પ્રક્રિયા ફાઇઝર કરતા અઠવાડિયા આગળ શરૂ થઈ શકે છે.
જો કે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે ચૂંટણીમાં કાંટાની ટક્કર પછી આ પરિણામ જાહેર કરાયા છે – જેને કંપનીએ નકાર્યા છે. પેઢીએ મૂળરૂપે કહ્યું હતું કે તેમને ઑક્ટોબરમાં તેના અજમાયશના પરિણામો જાણવાની અપેક્ષા છે. ફાઈઝર અને બાયોએનટેક યુ.એસ.માં લોકોને વહેલી તકે જેબ આપી શકાય તે માટે મંજૂરી માટે અરજી કરવાની અપેક્ષા ધરાવે છે.