ઇંગ્લેન્ડની 60 જેટલી કાઉન્સિલો અને સ્વૈચ્છિક જૂથોને કોરોનાવાયરસ રસી અંગે ફેલાયેલી ખોટી માહિતી અને અફવાઓ સામે લડવામાં મદદ કરવા અને ઉચ્ચ જોખમ ધરાવતા સમુદાયોના લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા સરકાર £23 મિલિયનનું ભંડોળ પૂરું પાડનાર છે. આશા છે કે આ ભંડોળ ઇંગ્લિશ અધિકારીઓને લઘુમતી વંશીય અને વૃદ્ધ લોકોને પ્રેરણા આપવામાં મદદ કરશે. દરેક કાઉન્સિલોએ આ જૂથો સાથે સંદેશાવ્યવહાર સુધારવા માટે પોતાની યોજનાઓ વિકસાવી છે. મંદિરો અને મસ્જીદો દ્વારા પણ આ અંગે જાગૃતી લાવવામાં આવી રહી છે.
આ ફંડીંગ માટે રોગચાળાથી અપ્રમાણસર અસરગ્રસ્ત થયેલા લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના લોકો, વૃદ્ધ લોકો અને અપંગ લોકોના સંપર્કની યોજના ધરાવનાર કાઉન્સિલ્સને પસંદ કરવામાં આવી છે. સંખ્યાબંધ નિષ્ણાતો અને રાજકારણીઓએ તાજેતરમાં ઉચ્ચ જોખમ ધરાવતા લઘુમતી વંશીય જૂથોના લોકોને રસીકરણ માટે પ્રાધાન્ય આપવાની હાકલ કરી પ્રચાર અભિયાનો દ્વારા નિશાન સાધવા જણાવ્યું હતું.
સંશોધન પછી 72 ટકા શ્યામ લોકોએ જણાવ્યું હતું કે તેઓ રસી લે તેવી સંભાવના નથી અથવા ખૂબ જ ઓછી છે. આ ભંડોળ ખોટી માહિતીને દૂર કરવા અને દેશભરમાં થતા રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા વિવિધ ક્ષેત્રોને પણ મદદ કરશે.
નાર્થ વેસ્ટ લંડનના નીસ્ડન અને લેસ્ટરના જીપ્સી લેન સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો અને અગ્રણીઓ દ્વારા દૈનિક ઓનલાઇન પ્રસારણમાં લોકોને ‘રસી આપવામાં આવતી હોય તો તેનો તરત જ લાભ લેવા અપીલ કરાઇ છે. મંદિર દ્વારા રોજ સાંજે કરવામાં આવતી દૈનિક પ્રાર્થનાના વેબ – ઓનલાઇન પ્રસારણમાં નીસ્ડન મંદિરના વડા અને કોઠારી સ્વામી પૂ. યોગવિવેક સ્વામી દ્વારા પણ રસી લેવા માટે અને તેનાથી કોઇ વિશેષ આડઅસર થતી ન હોવા અંગે સમજ આપી રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમણે વ્યક્તિગત મુશ્કેલી કે પ્રશ્નો અંગે પોતાના જીપીને તેમજ રસી આપનાર કર્મચારીને જાણ કરવા અથવા સલાહ લેવા અપીલ કરી હતી. તેમણે લોકોને રસીકરણ સંબંધી કોઈપણ કૌભાંડો પ્રત્યે જાગૃત રહેવા જણાવ્યું હતું.
BAPS સ્વામિનારાયમ સંસ્થાના અગ્રણી સંત ડોક્ટર સ્વામી, પૂ. યોગવિવેક સ્વામી અને સંસ્થામાં સેવા આપતા નિષ્ણાંત ડોક્ટર સત્સંગીઓ અને રસી લઇ ચૂકેલા સત્સંગી સભ્યો દ્વારા રસી લેવા માટે લોકોને પ્રેરણા આપતો એક વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં જ બહાર પડનાર છે.
આ ઉપરાંત, રસી અંગેની કેટલીક સામાન્ય દંતકથાઓને ઉજાગર કરવા અને યુકેમાં કોવિડ રસી વિશેના તથ્યો સમજાવવા માટે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં વિડિઓ બનાવ્યા છે જેને મંદિર દ્વારા લાઇવ બ્રોડકાસ્ટ દરમિયાન નિયમિતપણે બતાવવામાં આવે છે જેને અહિં ક્લિક કરી યુટ્યુબ પર જોઇ શકાશે. https://youtu.be/JGSRtXUIubk
મંદિરના પ્રવક્તા સંજીવ પટેલે જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં ઘણાને ટેટનસ અને ટાઇફોઇડ જેવી રસી અપાઇ હશે અને કોવિડ-19 રસી એટલી જ મહત્વની છે. આ વાયરસનો ફેલાવો અટકાવીને આપણે ફક્ત પોતાનું જ નહીં, પણ અન્ય લોકોનું પણ રક્ષણ કરી રહ્યા છીએ.”
દરમિયાન, મોસ્ક્સ એન્ડ ઇમામ્સ નેશનલ એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ, કારી અસીમ અને અન્ય મુસ્લિમ નેતાઓએ લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા અભિયાન શરૂ કર્યું છે. રસી લેવામાં ખચકાટ કરતા લોકો સામેની લડતમાં BAME સમુદાયના ઘણા નેતાઓએ કાર્યવાહી કરી છે. આ માટે ઘણી મસ્જીદોમાં શુક્રવારની પ્રાર્થનાઓ દરમિયાન સમજ આપવામાં આવી હતી. લેસ્ટરની સંખ્યાબંધ મસ્જિદોમાં પણ રસી સંબંધિત અફવાઓ દૂર કરવા સમજ આપવામાં આવી હતી. લેસ્ટરના ફેડરેશન ઑફ મુસ્લિમ ઓર્ગેનાઇઝેશન્સના સુલેમાન નાગદીએ જણાવ્યું હતું કે, “માનવ જીવનને બચાવવા માટે રસી લેવી મહત્વપૂર્ણ છે અને સમાજને સુરક્ષિત કરવામાં પણ તે મહત્વપૂર્ણ છે.”
સ્થાનિક કાઉન્સિલો અને સ્વૈચ્છિક સંસ્થાઓ હેલ્પલાઈન્સ, શાળામાં કાર્યક્રમો યોજીને અને કાર્યસ્થળે મીટીંગો દ્વારા આઉટરીચ ટેકનીકનો ઉપયોગ કરીને લોકોને રસી લેવા પ્રેરણા આપનાર છે. તેઓ જોખમી જૂથોના લોકોને ફોન કરીને સમજ આપશે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે “રોગચાળા દરમ્યાન, અમારી પ્રાધાન્યતા સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કરવાની છે. દેશભરમાં આપણા ઐતિહાસિક રસીકરણ રોલઆઉટ પ્રોગ્રામ વિશે વાત ફેલાવવામાં સમુદાયના નેતાઓની સતત કુશળતા અને સમર્પણ માટે હું આભારી છું.”
કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીકે જણાવ્યું હતું કે “કોવિડ-19 રસી વિશે ખોટી માહિતીથી લોકોનું જીવન જોખમી બની શકે છે”.
વેક્સીન ડીપ્લોયમેન્ટ મિનીસ્ટર નધિમ ઝહાવીએ કહ્યું હતું કે “અમે ઇચ્છીએ છીએ કે બધા સમુદાયો મફત રસી મેળવે. જેમને આ વાયરસથી વધુ નુકસાન થવાનું જોખમ થઈ શકે છે તેઓ રસી મેળવે તે માટે અમે ફેઇથ અને સમુદાયના નેતાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.’’
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર જુલાઈના અંત સુધીમાં, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દર 100,000 લોકો દીઠ શ્યામ આફ્રિકન પુરુષોમાં કોવિડ મૃત્યુની સંખ્યા 62 અને બાંગ્લાદેશી બેકગ્રાઉન્ડના પુરુષો માટે આ સંખ્યા 61 હતી જ્યારે શ્વેત લોકોની સંખ્યા માત્ર 12 હતી.
બે સખાવતી સંસ્થાઓ, સેટ્રેન્ધનીંગ ફેઇથ ઇન્સ્ટીટ્યુશન અને નીયર નેઇબર ગ્રાસરૂટ સંસ્થાઓ અને સમુદાયના નેતાઓ સાથે કામ કરવામાં કાઉન્સિલ્સ સમર્થન આપશે, જેથી સમુદાયો સમજી શકે કે રોગચાળોનો સામનો કેવી રીતે કરવામાં આવે છે.