હેલ્થકેર પ્રોફેશનલ્સે વિનંતી કરી છે કે, વેક્સીન લેવાના દરમાં સુધારો કરવા માટે એથનિક માઇનોરીટી જૂથોને કોરોનવાયરસ રસી માટે પ્રાથમિકતા આપવી જોઈએ.
તાજેતરના અઠવાડિયામાં, અભ્યાસોએ બતાવ્યું છે કે વંશીય સમુદાયો દ્વારા રસી લેવાની સંભાવના ઓછી છે. તા. 28ના રોજ ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના અધ્યયન મુજબ, 460 એશિયન અથવા પુખ્ત વયના બ્રિટીશ એશિયન લોકો પૈકી 8 ટકાએ એટલે કે 37 લોકોએ કહ્યું હતું કે તેમની રસી લેવાની શક્યતા નહીંવત હશે. અભ્યાસોમાં સતત બતાવાયું છે કે આવા જૂથોના લોકોને કોવિડ-19 થી ચેપ અને મૃત્યુનું જોખમ વધારે છે. તેના જવાબમાં, વિવિધ ડોકટરોના જૂથોએ કહ્યું છે કે, BAME વસ્તીને રસી વિતરણના બીજા તબક્કામાં અગ્રતા આપવી જોઈએ.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને વેક્સીન મિનીસ્ટર નધિમ ઝહાવીને સોમવારે તા. 1ના રોજ લખેલા પત્રમાં, સંગઠનોએ સરકારને વંશના આધારે રસી લેવાના ડેટા એકત્રિત કરવા અને મીડિયાનું વધુ સારી રીતે નિયમન કરવા જણાવ્યું છે. બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) સહિત 33 જૂથો દ્વારા સહી કરાયેલા પત્રમાં તબીબોએ સમુદાય અને ફેઇથ જૂથોને સ્થાનિક જાહેર આરોગ્ય ઝુંબેશ માટે ભંડોળ આપવા તાકીદ કરી છે.
આ પત્રમાં જણાવ્યું છે કે, “વંશીય લઘુમતી સમુદાયો અને સંવેદનશીલ અને રોગચાળાનો સામનો કરી રહેલા હેલ્થકેર કર્મચારીઓને જોઇન્ટ કમિટી ઓન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન્સ (જેસીવીઆઈ) દ્વારા પ્રાથમિકતા નહિં આપવી તે અન્યાયી છે. વંશીય લઘુમતી સમુદાયોમાં કોવિડ-19થી ચેપ અને મૃત્યુનું જોખમ વધારે હોવાના પૂરતા પુરાવા છે.”
“વયના આધારે વેક્સીનેશનમાં પ્રાધાન્યતા આપવાથી જેમના પર મહત્વપૂર્ણ જોખમ છે તે વંશીયતાના પરિબળને નજરઅંદાજ કરાય છે, ખાસ કરીને જ્યારે આ લોકો પર વ્યવસાયિક જોખમ, સામાજિક વંચિતતા અને ઉચ્ચ જોખમવાળા સંબંધીઓ સાથે રહેવા જેવા અન્ય પરિબળો જમા થાય છે ત્યારે તેમના માથે જોખમ વધે છે.”
હાલમાં, રસી માટે પાત્ર લોકોમાં 80 અને 70 વર્ષથી વયના લોકો, આરોગ્યની રીતે અત્યંત નબળા લોકો કેર હોમ્સમાં રહેતા લોકો અને હેલ્થ કેર ક્ષેત્રમાં કામ કરતા લોકોને રસી આપવામાં આવે છે.