વેક્સિનની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પુનાવાલાએ જણાવ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લીધાના છ મહિના બાદ ત્રીજો ડોઝ લેવો ઇચ્છનીય છે. ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમને ત્રીજો ડોઝ લેવાનું ટાળવું ના જોઈએ. તેમણે કહ્યું હતું કે તેઓ પોતે તેમજ સિરમના સાત હજાર કર્મચારીઓએ કોવિશિલ્ડનો ત્રીજો ડોઝ અથવા બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે.
લોકમાન્ય તિલક એવોર્ડ મેળવ્યા બાદ પૂનામાં પૂનાવાલાએ જણાવ્યું હતું કે છ મહિના પછી એન્ટીબોડીમાં ઘટાડો થાય છે, તેથી મે ત્રીજો ડોઝ લીધો છે. અમે એસઆઇઆઇના આશરે સાતથી આઠ હજાર કર્મચારીને ત્રીજો ડોઝ આપ્યો છે. બીજો ડોઝ લઈ લીધો છે તેમને હું બૂસ્ટર ડોઝ લેવાની વિનંતી કરું છું.
વેક્સિનના બે ડોઝ વચ્ચે કેટલા સમયનું અંતર આદર્શ ગણાય તે સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે વાસ્તવિક રીતે જોવા જઈએ તો બે ડોઝ વચ્ચે બેથી ત્રણ મહિનાનું અંતર રાખવું યોગ્ય છે. પરંતુ જ્યારે વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ નહોતો ત્યારે સરકારે આ ગાળાને વધારીને ત્રણ મહિનાનો કરી દીધો હતો. જોકે, આવી કોઈ સ્થિતિ ના હોય ત્યારે બે મહિનાના ગાળામાં બંને ડોઝ લઈ લેવા જોઈએ