કોવિડની રસી લીધા બાદ 4,000 જેટલી મહિલાઓને પીરીયડની સમસ્યાઓ ઉભી થઇ છે અને ચોંકાવનારી બાબત એ છે કે સંભવિત રસીની આડઅસરોની યાદીમાં પીરીયડ્સમાં તકલીફ થઇ શકે છે તે બાબતનો કોઇ ઉલ્લેખ જ નથી. વેકસીન વૉચડૉગ કહે છે કે અત્યાર સુધી મળેલા પુરાવા જોખમ વધારે હોવાનું સૂચવતા નથી.
વેક્સીન વૉચ ડોગ આ 4,૦૦૦ સ્ત્રીઓના અહેવાલોનો નજીકથી અભ્યાસ કરી રહી છે. સામાન્ય રીતે રસી લેવાથી હાથ પર સોજો આવવો, કંટાળો આવવો, માંદગી, તાવ કે માથાનો દુખાવો થવો જેવી સંભવિત આડઅસરો થઇ શકે છે. રસીના કારણે “સામાન્ય કરતા વધુ ભારે” રક્તસ્રાવ થયો હોવાનું અને તે પણ મોટાભાગે 30થી 49 વર્ષની વયની સ્ત્રીઓમાં નોંધાયું છે.
યુકેની મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)ને એસ્ટ્રાઝેનેકાથી 2,734, ફાઈઝરથી 1,158 અને મોડેર્નાથી 66 લોકોને આડઅસર થઇ હોવાના 17 મે સુધી અહેવાલો મળ્યા છે.
ઇમ્પિરિયલ કોલેજ લંડનના રીપ્રોડક્ટીવ ઇમ્યુનોલોજિસ્ટ વિક્ટોરિયા મેલે જણાવ્યું હતું કે ‘’આ સંખ્યા કરતા વધુ મહિલાઓને અસર થઈ હોવાની સંભાવના છે. દરેક વ્યક્તિ એમએચઆરને શંકાસ્પદ આડઅસરની જાણ કરતી નથી.’’
લંડનના 39 વર્ષિય કેટી ખાને જણાવ્યું હતું કે ‘’એસ્ટ્રાઝેનેકા રસીનો પ્રથમ ડોઝ લીધા મારૂ માસિક ચક્ર અનિયમિત થઈ ગયું હતું. તે અઠવાડિયા સુધી ચાલ્યું હતું. તે ખૂબ ભારે અને વધુ પીડાદાયક હતું. જાણે કે પીરીયડનું પૂર આવ્યું હતું. હું ગભરાયેલી છું કેમ કે એવું કોઇ સંશોધન નથી જે મને કહી શકે કે આ સામાન્ય છે કે ખરાબ છે અને બીજો ડોઝ લીધા પછી શું થશે.”
RCOGના ડો. પેટ ઓ’બ્રાયને કહ્યું હતું કે ‘’આવી કોઈ પણ આડઅસરને કારણે મહિલાઓને રસી લેતા અટકાવવી જોઈએ નહીં.’’