ઓક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા અથવા ફાઈઝરની રસીના બે ડોઝ, ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોવિડ-19ના B1.617.2 વેરિયન્ટનો ચેપ અટકાવવામાં 80 ટકાથી વધુ અસરકારક છે એમ યુકેમાં કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે. બીજી તરફ સરકારે વિવિધ વિસ્તારોના ચેપને માપવા ગટરના પાણીના નમૂનાઓ ચેક કરવાનું શરૂ કર્યું છે.
ઑક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા બે ડોઝની રસી પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા દ્વારા જ બનાવાઇ છે જેને ભારતમાં કોવિશિલ્ડ રસીના નામે બનાવવામાં આવી રહી છે. તે રસી જીવલેણ વાયરસ સામે રક્ષણ આપવા ભારતમાં પુખ્ત વયના લોકોને આપવામાં આવે છે. યુકેના તારણો પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ડેટાના આધારે લેવાયા છે. એમ પણ બહાર આવ્યું છે કે રસીના બંને ડોઝ ઇંગ્લેન્ડના કેન્ટમાં પહેલી વાર શોધાયેલા B.117 વેરિયન્ટ સામે 87 ટકા સુરક્ષા પૂરી પાડે છે.
તાજેતરના અભ્યાસના તારણો આ અઠવાડિયે સરકારના ‘ન્યુ એન્ડ ઇમર્જીંગ રેસ્પીરેટરી વાયરસ થ્રેટ્સ એડવાઇઝરી ગૃપ (Nervtag)ની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. પીએચઇના આંકડા મુજબ યુકેમાં B1.617.2 વેરિયન્ટના કેસની સંખ્યા, ગયા અઠવાડિયે દેશભરમાં થયેલા 2,111ના વધારા સાથે કુલ આંક 3,424 થયો છે. દરમિયાન, પીએચઇ અધિકારીઓ યોર્કશાયરમાં ઉચ્ચ ટ્રાન્સમિસિબિલિટી દર્શાવતા વેરિયન્ટ અંડર ઇન્વેસ્ટીગેશનનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે.
હેલ્થ સેક્રટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે ‘’NHS તેના રસીકરણ પ્રોગ્રામનું વધુ વિસ્તરણ કરી 32 અને 33 વર્ષની વયના લોકો માટે રસીકરણનું બુકિંગ શરૂ કરનાર છે. શનિવાર તા. 22થી 34 કરતાં વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરાયું છે. એનએચએસ ઇતિહાસના સૌથી મોટા અને સફળ રસીકરણ પ્રોગ્રામમાં એક અવિશ્વસનીય પગલું ભરી રહ્યું છે. ઇંગ્લેન્ડમાં વીજળીની ગતિએ 50 મિલિયન લોકોને રસ આપવામાં આવી છે અને જુલાઈ સુધીમાં સૌને રસી આપવાનું આયોજન છે.”
સરકાર B1.617.2 વેરિયન્ટ સહિત કોવિડ-19ના તમામ પ્રકારોને શોધવા સરકાર ગટર અને ગંદા પાણીના જિનોમ સિક્વિન્સીંગની તપાસ કરી રહી છે. સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડના એક્સેટર ખાતે નવી લેબોરેટરી ખોલવામાં આવી છે, જે વિશ્વની સૌથી મોટી ગંદાપાણીનું પ્રોસેસિંગ કરનાર લેબમાંની એક બની છે.
ગટરના પાણીના નમૂનાઓના જિનોમિક સિક્વન્સીંગથી સમુદાયોમાં વ્યાપેલા ચેપને શોધના સરકાર કમર કસી રહી છે. જેથી વીવીધ વેરિયન્ટના વ્યાપની માહિતી મળતા રોગચાળા સામે વધુ અસરકારક રીતે જવાબ આપી શકાશે અને નાગરિકોને વધુ સારી રીતે સુરક્ષિત કરી શકાશે. આ નવીન પ્રોગ્રામ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને એનએચએસ ટેસ્ટ અને ટ્રેસના કાર્યને સમર્થન આપે છે. ઇંગ્લેન્ડમાં 500 જેટલા સ્થળોએથી ગંદાપાણીના નમૂના લેવામાં આવ્યા છે અને એક્ઝિટર સાયન્સ પાર્કમાં લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિકો કોવિડ-19ની માત્રાને માપવા માટે નમૂનાઓનું વિશ્લેષણ કરે છે.