ભારતમાં પૂણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટે બનાવેલી બાળકો માટેની કોરોના રસી-કોવોવેક્સને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ મંજૂરી આપી છે. હવે બાળકોને કોરોનાથી રક્ષણ આપવા માટે રસીકરણ શરૂ થઇ શકશે. કોરોનાના નવા વેરિઅન્ટ- ઓમિક્રોનના ભય વચ્ચે સમગ્ર ભારત માટે આ મોટી રાહતના સમાચાર છે. તાજેતરમાં જ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક આદર પૂનાવાલાએ જણાવ્યું છે કે બાળકો માટેની વેક્સિનની રાહનો અંત આવ્યો છે.
આગામી છ મહિનામાં બાળકોને કોરોના રસી આપવાની યોજના છે. તેમણે જણાવ્યું હતું કે કોવોવેક્સ વેક્સિનના ટેસ્ટ ચાલી રહ્યા છે. તે ત્રણ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને દરેક પ્રકારની સુરક્ષા આપશે. ટેસ્ટના સારા પરિણામ મળી રહ્યા છે. આ બાબતે પૂરતા પુરાવા મળ્યા છે કે આ વેક્સિન બાળકોને સંક્રમણ સામે સુરક્ષિત રાખશે. કોવોવેક્સને WHO દ્વારા મંજૂરી મળતાની સાથે જ પૂનાવાલાએ ટ્વિટ કર્યું હતું કે, આ પણ કોવિડ-19 સામેની લડાઈમાં એક માઇલસ્ટોન છે. કોવોવેક્સને ઇમરજન્સી ઉપયોગ માટે હવે WHOની મંજૂરી મળી છે. આ ખૂબ જ મહત્ત્વની બાબત છે. જોકે, નિષ્ણાતો કહે છે કે, ઓમિક્રોન બાબતે હવે કંઈ કહી શકાય એમ નથી કે તે બાળકો પર શું અસર કરશે.