ભારત વેક્સિન મૈત્રી પ્રોગ્રામ હેઠળ આગામી મહિનાથી કોરોનીની સરપ્લસ વેક્સિનની નિકાસ ફરી ચાલુ કરશે અને કોવેક્સ ગ્લોબલ હેઠળની પ્રતિબદ્ધતા પૂરી કરશે. જોકે પોતાના નાગરિકોને વેક્સિન આપવાની બાબતને સરકાર ટોચની પ્રાથમિકતા આપશે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે જણાવ્યું હતું.
મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારને ઓક્ટોબરમાં કોરોના વેક્સિનના 30 કરોડ અને આગામી ત્રણ મહિનામાં આશરે 100 કરોડ ડોઝ મળશે. દેશમાં અત્યાર સુધી 81 કરોડ લોકોને વેક્સિન આપી છે. છેલ્લાં 11 દિવસમાં 10 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોવેક્સ હેઠળની ભારતની પ્રતિબદ્ધતાને પૂરી કરવા વેક્સિન મૈત્રી પ્રોગ્રામ હેઠળ આગામી ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)થી સરપ્લસ વેક્સીનની નિકાસ ચાલુ થશે.