ઇપ્સોસ મોરી યુકે નોલેજપેનલ દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું છે કે, યુકેમાં વસતા બધા જૂથોમાં કોવિડ-19 રસી લેવાની ઇચ્છામાં મોટો વધારો થયો છે. જે લોકો પહેલા રસી લેતા અચકાતા હતા તેઓ પણ હવે રસી લઇ રહ્યા છે. બ્રિટનમાં વસતા વંશીય લઘુમતી લોકોમાં રસી લેવાનું પ્રમાણ વધીને 90 ટકા થયું હતું. માર્ચમાં ફક્ત 6% બ્રિટીશ લોકોએ રસી લેવાનો ઇન્કાર કર્યો હતો. જો કે માર્ચમાં આ પ્રમાણ 14%થી નીચે હતું. અશ્વેત લોકોમાં રસીના ઇન્કારનું પ્રમાણ 22%થી ઘટીને માત્ર 6% થઇ ગયું હતું.
જે પુખ્ત વયના લોકો પહેલા રસી લેશે નહીં તેમ કહેતા હતા, તેમનું પ્રમાણ ડિસેમ્બર 2020માં જેટલું હતું તેના કરતાં માર્ચ 2021 સુધીના ચાર મહિનામાં અડધાથી વધુ થઈ ગયું છે. યુકેમાં પુખ્ત વયના 8,000 લોકોનું સર્વેક્ષણ (જેમાં 3,522 લોકોએ દરેક રાઉન્ડમાં ભાગ લીધો છે) બતાવે છે કે 60 ટકા લોકોએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હતો. આ ઉપરાંત, વધારાના 34% લોકોએ તેમને રસી ઓફર કરાશે ત્યારે ચોક્કસપણે રસી લેશે એમ જણાવ્યું હતું.
કોવીડ-રસી પ્રત્યે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે, 53 ટકા પુખ્ત લોકોએ વધુ સકારાત્મક વલણ દાખવ્યું હતું. તેમણે રસી લઇ લીધી હતી અથવા તો હવે તેઓ રસી લે તેવી શક્યતા છે.
આ સર્વેમાં ડિસેમ્બર 2020 અને માર્ચ 2021ની વચ્ચે પોતાનો વિચાર બદલી રસી લેવાનું નક્કી કરનારા લોકોને તેના કારણો પૂછવામાં આવતા તેમણે જણાવેલા ચાર સૌથી સામાન્ય કારણો હતા: 1) મુસાફરી અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓ માટે રસીના પુરાવાઓની જરૂર પડશે; 2) મિત્રો અને પરિવારજનોને રસી સલામત હોવાનો અનુભવ થયો છે. 3) કોવિડ-19નો દર ઘટાડવામાં રસી મદદ કરશે તેવી વધુ સમજ અને પુરાવા મળ્યા છે; 4) મિત્રો, કુટુંબ અને સાથીઓ દવા રસી લેવા પ્રોત્સાહન અને દબાણ કરાય છે.
જેમણે હજી સુધી રસી નથી લીધી તેવા 27% પુખ્ત વયના લોકોએ રસી લેતા પહેલા રસી વિશેની વધુ માહિતીની જરૂર છે તેમ જણાવ્યું હતું. રસી લેવા માટે ખૂબ અચકાતા લોકોને રસીની લાંબા ગાળાની આડઅસરો વિશે વધુ ચિંતા હતી.
વંશીય લઘુમતીના બ્રિટીશ લોકોમાં સૌથી વધુ નાટકીય સુધારણા જોવા મળી હતી. શ્વેત લોકોની તુલનામાં પહેલા ઘણાં ઓછા લોકોએ રસી લીધી હતી. પરંતુ જાન્યુઆરીમાં રસી લેનાર કે લેવાની ઇચ્છા વ્યક્ત કરનાર લોકોની સંખ્યા 77% હતી તેના પરથી વધીને તે સંખ્યા માર્ચમાં 92% થઈ ગઇ હતી. પુખ્ત વયના યુવાનોમાં આ વધારો 83%થી વધીને 86% થયો હતો અને યુકેમાં સૌથી વંચિત વિસ્તારોના પુખ્ત વયના લોકોમાં આ વધારો 81 ટકાથી વધીને 89% થયો હતો.
સમાજમાં જૂથો વચ્ચે મુખ્ય તફાવત હોવા છતાં, તારણો દર્શાવે છે કે રસીકરણની સફળતાએ કોવિડ-19 રસી પ્રત્યેના વલણ પર મોટો પ્રભાવ પાડ્યો છે. રસીનું યોગ્ય રીતે વિતરણ કરવામાં આવ્યું છે તેમ માનનારા લોકોની ટકાવારી જાન્યુઆરીમાં 77% પરથી વધીને માર્ચમાં 87% થઇ હતી. જ્યારે રસીની અસરકારકતા વિષે શંકા કરનાર લોકોની ટકાવારી 62%થી ઘટીને 46% થઈ ગઇ હતી.