અમેરિકાના હવાઇદળે કોરોના વેક્સિન લેવાનો ઇનકાર કરનારા 27 સૈનિકોની હકાલપટ્ટી કરી છે. વેક્સિન લેવાના આદેશનું અનાદર કરવા બદલ સેવામુક્ત કરવામાં આવેલા તેઓ પ્રથમ સર્વિસ મેમ્બર્સ બન્યાં છે.
એર ફોર્સે વેક્સિન લેવા માટે 2 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો અને સેંકડોએ વેક્સિન લેવાનો ઇનકાર કર્યો હતો અથવા તેમાંથી માફી માગી હતી. એર ફોર્સના પ્રવકતા એન સ્ટેફાનેકે સોમવારે જણાવ્યું હતું કે વેક્સિન સંબંધિત કારણોસર ફરજમુક્ત કરવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ તમામ લોકો મિલિટરીમાં ભરતીની પ્રથમ ટર્મમાં હતા અને તેથી યુવાન અને નીચા રેન્કના સૈનિકો હતા.
આ સૈનિકોને કેવી રીતે સેવામુક્ત કરવામાં આવ્યા છે તેની એરફોર્સે માહિતી આપી નથી, પરંતુ કાયદા મુજબ વેક્સિનનો ઇનકાર કરનારા જવાનને સન્માનીય સેવામુક્ત કરી શકાય છે અથવા સન્માનીય શરતો હેઠળ સેવામુક્તિનો આદેશ આપી શકાય છે.
પેન્ટાગોને આ વર્ષના શરૂઆતમાં સક્રિય ડ્યૂટી સૈનિકો, નેશનલ ગાર્ડ અને અનામત દળ સહિતના મિલિટરીના તમામ સભ્યો માટે વેક્સિન ફરજિયાત બનાવી હતી. હવાઇદળ, નૌકાદળ અને ભૂમિદળ પોતાની રીતે વેક્સિનની મહેતલ અને પ્રક્રિયા નક્કી કરી શકે છે. એર ફોર્સે સૌથી વહેલી મહેતલ નક્કી કરી હતી. સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિને જણાવ્યું હતું કે વેક્સિન લશ્કરી દળની સૈનિકોના આરોગ્યની જાળવણી અને નેશનલ સુરક્ષા કટોકટી વખતે પ્રતિસાદ આપવાની તેમની ક્ષમતા માટે મહત્ત્વની છે. પ્રવકતાએ જણાવ્યું હતું કે સેવામુક્ત કરવામાં આવેલા 27માંથી એકપણ જવાને મેડિકલ, વહીવટી કે ધાર્મિક કારણોસર વેક્સિનમાંથી મુક્તિ માગી ન હતી.