કોરોના મહામારીએ પડકારો ઊભા કર્યા હોવા છતાં ભારતે બાળકોમાં ડાયેરિયા અને ન્યુમોનિયાની વેક્સિનમાં 2020માં નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરી છે. ન્યુમોનિયાની વેક્સિનના કવરેજમાં 2020માં છ ટકાનો અને ડાયેરિયાની વેક્સિનના કવરેજમાં 29 ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો, એમ જોન હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ખાતેના ઇન્ટરનેશનલ વેક્સિન એક્સેસ સેન્ટર (IVAC)ના નવા અહેવાલમાં જણાવાયું છે.
શુક્રવારે વર્લ્ડ ન્યુમોનિયા દિને જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર ન્યુમોનિયાના મુખ્ય કારણ સામે રક્ષણ આપતા ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિનનું કવરેજ 2020માં છ ટકા વધીને 21 ટકા થયું હતું, જે 2019માં 15 ટકા હતું.
ઓક્ટોબર 2021માં સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામ હેઠળ ન્યુમોનિયાની વેક્સિનનું રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ કરાયું હતું અને તેનાથી પ્રથમ વખત ભારતભરમાં આ વેક્સિન ઉપલબ્ધ થઈ હતી.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં ન્યુમોનિયા અને ડાયેરિયાથી પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોતનો આંકડો વિશ્વમાં સૌથી ઊંચો છે. ભારતમાં ન્યુમોનિયા અને ડાયેરિયાથી વાર્ષિક ધોરણે આશરે 2.33 લાખ બાળકોના મોત થતાં હોવાનો અંદાજ છે. આમ દરરોજ 640 બાળકોના મોત થાય છે.
વિશ્વભરમાં બાળકોમાં ઘાતક ડાયેરિયાના મુખ્ય કારણ સામે રક્ષણ આપતી રોટાવાઇરસ વેક્સિનનું ભારતમાં કવરેજ 2020માં 29 ટકા વધીને 82 ટકા થયું હતું, જે 2019માં 53 ટકા હતું. ભારતે 2019માં રાષ્ટ્રીય રોટાવાઇરસ વેક્સિનના અસાધારણ અભિયાન “100-દિવસનો એજન્ડા” સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. તેનાથી ઘાતક ડાયેરિયા સામે દર વર્ષે 2.6 કરોડ બાળકોને રક્ષણ આપવામાં મદદ મળશે.
એન્યુઅલ ન્યુમોનિયા એન્ડ ડાયેરિયા પ્રોગ્રામ રીપોર્ટ બાળકોમાં ન્યુમોનિયા અને ડાયેરિયા સામેની લડાઈના ટ્રેન્ડની દેખરેખ રાખે છે. વિશ્વભરમાં બીજા કોઇ ચેપી રોગ કરતાં ન્યુમોનિયા અને ડાયેરિયાથી બાળકોમાં વધુ મોત થાય છે.
IVACના MD, MPH, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ હેલ્થના પ્રોફેસર વિલિયમ મોસે જણાવ્યું હતું કે “આપણે બાળ આરોગ્ય માટે દાયકા સુધીની સખત મહેનતથી હાંસલ કરેલી પ્રગતિને વેડફી શકીએ નહીં તથા ન્યુમોનિયા અને રોટાવાઇરસ વેક્સિનના ભારત દ્વારા મોટાભાગે વિસ્તરણ બાળ આરોગ્ય માટેના એક વિજય સમાન છે. ન્યુમોનિયા અને ડાયેરિયા સામે લડત આપતી જીવનરક્ષક વેક્સિનું ભારતનું રાષ્ટ્રવ્યાપી અભિયાન એક નોંધપાત્ર સિદ્ધી છે, તેનાથી આપણે વિશ્વમાં એ લક્ષ્યાંકની નજીક આવ્યા છે કે આ અટકાવી શકાય તેવા રોગથી બાળકોનું કસમયે મોત ન થાય.”