જર્મની સ્થિત ફાઇઝર – બાયોએનટેક અને હવે અમેરિકાની મોડેર્નાએ તેમની કોવિડ-19 સામે પ્રતિકાર કરતી રસીઓના પરીક્ષણના પ્રભાવશાળી પરિણામો જાહેર કરતા હવે ઑક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની રસી માટે ઉજ્જવળ આશાઓ બંધાઇ છે. યુ.એસ. કંપની મોડેર્નાએ કોવિડ રસીના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સના વચગાળાના પરિણામો પછી કોવિડ-19 રોગચાળાને રોકવામાં તેમની રસી લગભગ 95% જેટલી અસરકારક હોવાનું જાહેર કર્યું છે. ગયા અઠવાડિયે જર્મની સ્થિત ફાઇઝર અને બાયોએનટેકે ઘોષણા કરી હતી કે તેમની રસી 90% કરતા વધારે અસરકારક છે.
યુકેએ ફાઇઝરની રસીના 40 મિલીયન ડોઝ અને મોડેર્નાના 5 મિલીયન ડોઝ કરાર અંતર્ગત મળશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત રસી પણ અસરકારક નિવડે તેવી શક્યતાઓ વચ્ચે તેના 100 મિલીયન ડોઝ સુરક્ષિત રાખ્યા છે.
આને કારણે યુકેના લોકોનું જીવન વસંત ઋતુ પહેલા સામાન્ય થઇ જશે. ટૂંક સમયમાં જ લોકોને રસી આપવા અંગે રેગ્યુલેટર્સની મંજૂરી લેવામાં આવશે. વડાપ્રધાન બોરીસ જ્હોન્સને વચન આપ્યું છે કે યુકેના 5 મિલીયન લોકો માટે જરૂરી એવા 10 મિલીયન રસીના ડોઝ ક્રિસમસ પહેલા મળી જશે અને યુકે દ્વારા આપવામાં આવેલો 40 મિલિયન રસીનો ડોઝ વસંત ઋતુ પહેલા મળી જશે. પરંતુ પીએમે બ્રિટનના લોકોને વિનંતી કરી છે કે લોકડાઉન બાબતે જે તકેદારી દાખવવામાં આવે છે તે જાળવી રાખવામાં આવે.
ઑક્સફર્ડની રસી મોડેર્ના કરતા જુદી ટેકનીકનો ઉપયોગ કરે છે, બંને રસીઓ ચોક્કસ પ્રોટીન ઉત્પન્ન કરવા માટે ઉત્તેજીત કોષો પર આધાર રાખે છે, જે બદલામાં એક પ્રતિરક્ષા પ્રતિભાવ પેદા કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેરના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે ઑક્સફર્ડની રસીના ટ્રાયલના પરિણામો “નિકટવર્તી” હતા અને તેથી કદાચ તે તૈયાર થનાર પ્રથમમાંના એક રસી હોઈ શકે છે. ઇમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકો માટે તાજેતરના પરિણામો આકર્ષક હશે, કેમ કે તેઓ પણ એમઆરએનએ પર આધારિત રસી વિકસાવી રહ્યા છે.
ઑક્સફર્ડ રસી જૂથના ડિરેક્ટર પ્રો. એન્ડ્રુ પોલાર્ડે જણાવ્યું હતું કે “અન્ય ડેવલપર્સના હકારાત્મક પરિણામોનો અર્થ એ છે કે શક્ય છે કે આપણા લક્ષ્ય પર ઘણી રસીઓ હશે, જે વિશ્વ માટે ખુશીના સમાચાર છે. ઑક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકાની ટીમને અઠવાડિયાઓમાં જ ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાંથી તારણો મળવાની અપેક્ષા છે.’’ જો તેમ જ થશે તો, અને ટીમ તેમનો સંપૂર્ણ સલામતી ડેટા પણ પ્રકાશિત કરશે તો, કેટલાક લોકો સૂચવે છે કે ઑક્સફર્ડની રસી તે જ સમયગાળામાં અથવા ફાઈઝર / બાયોએનટેક રસી પહેલાં રેગ્યુલેટર્સની મંજૂરી મેળવી શકે છે.
પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે અન્ય ટીમોના તારણોથી ઘણું અનુમાન લગાવી શકાય છે. “ઑક્સફર્ડ રસી ફાઇઝર / બાયોએનટેક અથવા મોડેર્ના રસી કરતા ખૂબ જ અલગ ટેકનીકનો ઉપયોગ કરે છે અને તેથી હજી સુધી અમને ખબર નથી કે તે પ્રતિરક્ષાના પ્રતિભાવની યોગ્ય ગુણવત્તાને પ્રેરિત કરશે કે નહીં” એમ એડિનબરા યુનિવર્સિટીના પ્રોફેસર એલેનોર રિલેએ જણાવ્યું હતું.
તેમણે નોંધ્યું હતું કે ઑક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા રસી રશિયાની “સ્પુટનિક વી” જેવો સમાન અભિગમ ધરાવે છે અને સ્પુટનિક વી રસી કોવિડને અટકાવવામાં 92%ની અસરકારકતા ધરાવે છે. હાલમાં, યુકેએ ચાર જુદા જુદા અભિગમોમાં સાત સંભવિત કોવિડ રસીઓનો એક્સેસ મેળવી લીધો છે.
મિનીસ્ટર્સે ખુલાસો કર્યો છે કે કોરોનાવાયરસ સામેની રસી મેળવનારા લોકોમાં સૌથી પહેલો કેર હોમ નિવાસીઓ અને સ્ટાફ, ત્યારબાદ 80થી વધુ વયના લોકો અને સોશ્યલ કેર વર્કર, એનએચએસ કાર્યકરો રહેશે. તે પછી વય પ્રમાણે લોકોને રસી આપવામાં આવશે. પરંતુ જેસીવીઆઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સૂચિને ‘નિર્ણાયક માનવામાં આવતી નથી’ કારણ કે જોખમ ધરાવતા જૂથો પર હજી વધુ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
ફિઝીયોથેરાપીસ્ટ અને પેરામેડિક્સને કોવિડ જેબ્સ પહોંચાડવા માટે તાલીમ આપવામાં આવશે, જેથી શિયાળા દરમિયાન એનએચએસ તેના સમૂહ રસીકરણ કાર્યક્રમ હાથ ધરશે. યુકેએ જેબના 40 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે જે 20 મિલિયન લોકોને આવરી લેવા માટે પૂરતો છે.
ફાઇઝરના વડા આલ્બર્ટ બોરૂલાએ ‘ટનલના છેડે પ્રકાશ’ દેખાતો હોવાનું જણાવી આ સફળતાને ‘વિજ્ઞાન અને માનવતા માટેનો મહાન દિવસ ગણાવ્યો હતો. ફાઇઝરે થોડા સમય પહેલા જ રસીનું ઉત્પાદન શરૂ છે અને તેમનું માનવું છે કે આ વર્ષે તેમની પાસે 50 મિલિયન અને આવતા વર્ષે 1.3 બિલીયન રસીના ડોઝ હશે, જેમાં વધારો થતો રહેશે. જ્યારે સ્વતંત્ર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પરિણામો ‘ઉત્તમ અને ખરેખર પ્રભાવશાળી’ હતા. ડેપ્યુટી મેડિકલ ચિફ જોનાથન વેન-ટેમે જણાવ્યું હતું કે રસીના સંશોધન માટે કાર્યરત અન્ય મુખ્ય ઉત્પાદકોને પણ સારા સમાચાર મળ્યા છે કારણ કે તેઓ સમાન અભિગમનો ઉપયોગ કરી રહ્યા છે.
રસી બનાવનાર ફાઇઝર અને બાયોએનટેક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે મોટા ક્લિનિકલ ટ્રાયલના પ્રારંભિક પરિણામોમાં રસીનો ડોઝ મેળવનારા દર 10માંથી 9 લોકોએ સૂચવ્યું હતું કે તેઓ કોરોનાવાયરસ સામે સુરક્ષિત છે. આ જાહેરાત પછી એફટીએસઇ 100 ઇન્ડેક્સે તેના શ્રેષ્ઠ દિવસનો અનુભવ કર્યો હતો. એરલાઇન્સ અને હોસ્પિટાલિટી કંપનીઓના શેર વૈશ્વિક સ્તરે વધી રહ્યા હતા. જોકે ઝૂમના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો.
તા. 9ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં, બોરિસ જ્હોન્સને ચેતવણી આપી હતી કે ‘’દેશ હવે કરી શકે તેવી સૌથી મોટી ભૂલ ‘આપણા સંકલ્પને ઢીલો કરવાની છે. હવે નિયમોનું પાલન પહેલા કરતાં વધુ મહત્વનું છે. આપણે રોગચાળાના સમાધાન તરીકે આ સમાચાર પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકીએ નહીં.’
ડેઇલી મેઇલ ઑનલાઇન માને છે કે ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની કોરોનાવાયરસની રસીના સલામતી અને અસરકારકતાના ડેટા આવતા અઠવાડિયાઓમાં પ્રકાશિત થવાની તૈયારીમાં છે, જેનો અર્થ છે કે જેબ માટે વાસ્તવિક મંજૂરીની પ્રક્રિયા ફાઇઝર કરતા અઠવાડિયા આગળ શરૂ થઈ શકે છે.
જો કે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે ચૂંટણીમાં કાંટાની ટક્કર પછી આ પરિણામ જાહેર કરાયા છે – જેને કંપનીએ નકાર્યા છે. પેઢીએ મૂળરૂપે કહ્યું હતું કે તેમને ઑક્ટોબરમાં તેના અજમાયશના પરિણામો જાણવાની અપેક્ષા છે. ફાઈઝર અને બાયોએનટેક યુ.એસ.માં લોકોને વહેલી તકે જેબ આપી શકાય તે માટે મંજૂરી માટે અરજી કરવાની અપેક્ષા ધરાવે છે.