ભારતમાં પહેલી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંખ્યાબંધ બેઠકો યોજ્યા બાદ કેન્દ્ર સરકારે સોમવારે આ જાહેરાત કરી હતી. કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્તવયના લોકોના રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે વેક્સીન બનાવતી કંપનીઓ પોતાના 50 ટકા સપ્લાય કેન્દ્ર સરકારને આપશે. બાકીનો 50 ટકા સપ્લાય રાજ્ય સરકારોને આપી શકશે અથવા તો ખુલ્લા બજારમાં વેચાણ કરી શકશે. વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે.
દેશમાં સોમવારે વિક્રમજનક 2.73 લાખ નવા કેસ નોંધાયા બાદ સરકારે આ નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીમાં સરકારે ફક્ત ફ્રન્ટલાઈન વર્કર્સ અને 45 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન કરવાની પરવાનગી આપી હતી. દેશમાં 18 એપ્રિલ સુધી 12.38 કરોડ લોકોને વેક્સિનનો પહેલો અથવા બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર શક્ય એટલા ઓછામાં ઓછા સમયમાં મહત્તમ સંખ્યામાં ભારતીય નાગરિકોનું વેક્સિનેશન થાય તે માટે સખત પ્રયત્ન કરી રહી છે