ભારતમાં માત્ર 6 દિવસમાં 10 લાખ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે અને વેક્સિન આપવાની ઝડપમાં ભારતે અમેરિકા અને બ્રિટનને પણ પાછળ મુકી દીધાં છે. દેશમાં 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાન શરુ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 16 લાખ લોકોને રસી અપાઈ ચુકી છે. 10 લાખ લોકોને રસી આપવાનો આંકડો પાર કરવામાં બ્રિટનને 18 અને અમેરિકાને 10 દિવસનો સમય લાગ્યો હતો.
આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે 24 જાન્યુઆરીએ સવારે આઠ વાગ્યા સુધીમાં 16 લાખ લોકોને રસી મુકાઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં જ બે લાખ લોકો રસી લઈ ચુક્યા છે. દેશમાં કોરોનાના નવા કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં હાલમાં 1.84 લાખ દર્દીઓ જ એવા છે જેમની કોરોના સારવાર ચાલી રહી છે. આ પૈકીના 75 ટકા દર્દીઓ કેરાલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને બંગાળમાંથી છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રસીકરણ અભિયાનના પ્રારંભ બાદ 27,920 સેશનમાં 15.82 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આમાંથી શનિવારે 3,512 સેશનમાં 1.91 લાખને અપાઇ હતી. વેક્સિન બાદ આડઅસરના કિસ્સા 1,238 રહ્યા છે, જે કુલ વેક્સિનના 0.08 ટકા છે.
માત્ર 11 લોકોને વેક્સિન લીધા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, રસી લીધા બાદ અત્યાર સુધી કુલ 6 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધી થયેલા કોઇપણ મોતમાં રસીકરણ સાથે કોઇ સંબંધ સામે આવ્યો નથી. જો કે, રસીકરણ અભિયાનની ધીમી શરૂઆત બાદ ગતિ વધી રહી છે. સાતમાં દિવસ સુધી લગભગ 3.5 લાખ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપવામાં આવી હતી.