ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનના બે ડોઝથી ઓમિક્રોન વેરિયન્ટના ચેપ સામે માત્ર 33 ટકા રક્ષણ મળે છે, પરંતુ હોસ્પિટલાઇઝેશન સામે 70 ટકા રક્ષણ મળે છે, એમ મંગળવારે જારી કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવાયું છે.
સાઉથ આફ્રિકામાં મોટાપાયે કરવામાં આવેલા વિશ્લેષણમાં એવા પ્રારંભિક ઇન્ડિકેશનને સમર્થન મળ્યું છે કે ઓમિક્રોન વધુ સરળતાથી ફેલાય છે. ફાઇઝરની વેક્સિન ઓમિક્રોનના સંદર્ભમાં ડેલ્ટા વેરિયન્ટ જેટલી અસરકારક નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટ સૌથી પ્રથમ જોવા મળ્યો હતો અને ત્યાંના લોકોને આવરી લઈને આ અભ્યાસ કરવામાં આવ્યો છે.
આ અભ્યાસમાં 211,000 પોઝિટિવ દર્દીને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં 41 ટકા લોકોએ ફાઇઝરની વેક્સિનના બે ડોઝ લીધા હતા. આ અભ્યાસ સાઉથ આફ્રિકાની સૌથી મોટી ખાનગી આરોગ્ય વીમા કંપની અને સાઉથ આફ્રિકન મેડિકલ રિસર્ચ કાઉન્સિલે સંયુક્ત રીતે હાથ ધર્યો હતો. સાઉથ ઓફ્રિકા અને બોત્સ્વાનમાં વૈજ્ઞાનિકોએ નવેમ્બરમાં પ્રથમ કેસની જાહેરાત કર્યાના થોડા સપ્તાહમાં આ અભ્યાસ કરવામાં આવ્યો છે. સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના તારણો પ્રાથમિક છે અને તેમા બીજી વેક્સિન સાથે તેની સમીક્ષા કરવામાં આવી નથી.
સાઉથ આફ્રિકામાં ઓમિક્રોન આધારિત કોરોના લહેરના પ્રથમ ત્રણ સપ્તાહના ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા. ઓમિક્રોન વેરિયન્ટને કારણે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હોય તેવો સાઉથ આફ્રિકા વિશ્વનો પ્રથમ દેશ છે. સાઉથ આફ્રિકામાં ઝડપથી કમ્યુનિટી સ્પ્રેડ જોવા મળ્યો છે. વેરિયન્ટ તેના સૌથી વધુ વસતિ ધરાવતા ગૌટેંગ પ્રાંતમાં ફેલાયો છે. છેલ્લાં બે સપ્તાહમાં સાઉથ આફ્રિકામાં દૈનિક નવા કેસની સાત દિવસની સરેરાશ સંખ્યા વધીને 13 ડિસેમ્બર પ્રતિલાખે 34.37 નવા કેસની થઈ હતી, જે 29 નવેમ્બરના રોજ પ્રતિલાખ 8.07 નવા કેસની હતી. જોકે આ સમયગાળામાં મૃત્યુદરમાં વધારો થયો નથી.
ડિસ્કવરી હેલ્થના ચીફ એક્ઝિક્યુટિવ ડો રયાન નોચે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકામાં જિનોમ સર્વેલન્સ નેટવર્ક દ્વારા સુપર્બ જેનિક સર્વેલન્સમાં જણાયું છે કે દેશમાં આશરે 90 ટકા નવા કેસ ઓમિક્રોનના છે અને તે અગાઉના ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ છે.
અભ્યાસમાં જણાવાયું છે કે ફાઇઝરની વેક્સિનના બે ડોઝ લેનારા વ્યક્તિઓને વેક્સિન ન લેનારા લોકો કરતાં ઓમિક્રોનના ચેપ સામે 33 ટકા રક્ષણ મળે છે. આ અભ્યાસ આફ્રિકામાં ઓમિક્રોન આધારિત કોરોના લહેરના પ્રથમ કેટલાંક સપ્તાહો આધારિત છે. અગાઉના સમયગાળામાં ઇન્ફેક્શન સામે 80 ટકા રક્ષણ મળતું હતું.