યુકેમાં હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, કોવિડ-19 રસીના પ્રથમ બે ડોઝ વચ્ચેનું લાંબા સમયનું અંતર એન્ટિબોડીના સ્તરને નવ ગણા સુધી વધારી શકે છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) ના સંશોધકો દ્વારા કરાયેલી શોધ એ પણ સૂચવે છે કે પ્રાથમિક ચેપ લાગ્યા પછીના આઠ મહિના બાદનો સમય પ્રથમ રસી મેળવવાનો શ્રેષ્ઠ સમય હોઈ શકે છે.
ચેપ અને રસીકરણ વચ્ચેના સમયને ધ્યાનમાં લીધા વિના, તમામ વ્યક્તિઓએ બીજા ડોઝ પછી ખૂબ જ ઉચ્ચ એન્ટિબોડી પ્રતિભાવ આપ્યો હતો. યુકેમાંથી લગભગ 6,000 હેલ્થકેર કર્મચારીઓના લોહીના નમૂનાઓને આધારે એન્ટિબોડીનું સ્તર મપાયું હતું.
રસીકરણ પછી કોવિડ-19 થયો ન હોય તેવા 99 ટકાથી વધુ લોકોએ SARS-CoV-2 વાઇરસ સામે એન્ટિબોડીઝ વિકસાવી હતી. પ્રથમ ડોઝ પછી, અગાઉનો ચેપ ધરાવતા લોકોમાં દસ ગણું વધારે એન્ટિબોડીનું સ્તર જણાયું હતું. જ્યારે બીજા ડોઝ પછી, અગાઉનો ચેપ ધરાવતા લોકોમાં ચેપ નહિ ધરાવતા લોકો કરતા બમણું એન્ટિબોડીનું સ્તર નોંધાયું હતું.