જુલાઈના અંત સુધીમાં દરેક પુખ્ત વયના લોકોને કોવિડ-19 રોગ સામે રક્ષણ આપતી રસી મળી રહે તેની ખાતરી કરવા માટે ચાન્સેલર ઋષિ સુનકે £1.65 બિલિયનની રકમ યુકેની રસીકરણ ઝુંબેશ માટે મંજૂર કરી છે. કોવિડ-19 જેબ્સની ‘લાઇબ્રેરી’ બનાવવા માટે £ 5 મિલિયન આપવા સહિત નવા વેરિયેન્ટને પ્રતિસાદ આપવાની ક્ષમતા અને વેક્સીન ટેસ્ટીંગમાં સુધારો કરવા માટે સરકાર £33 મિલિયન આપશે. શ્રી સુનકે વિવિધ રસીઓ એકસાથે વાપરી શકાય છે કે કેમ અને ત્રીજી માત્રા અસરકારક છે કે કેમ તે ચકાસવા માટે ‘વર્લ્ડ ફર્સ્ટ’ ટ્રાયલ માટે £22 મિલિયન ફાળવી રહ્યા છે.
રસીકરણ કાર્યક્રમની સફળતાને વડા પ્રધાનની એક મહત્વપૂર્ણ યોજના તરીકે જોવામાં આવે છે કે શું સરકાર તેના રોડમેપમાં જણાવાયેલી યુકેના લોકડાઉનને સંપૂર્ણપણે ફરીથી ખોલવાની તારીખોને વળગી રહી શકશે કે નહીં. મિનિસ્ટર્સે એપ્રિલના મધ્ય સુધીમાં ટોચના નવ પ્રાધાન્યતા જૂથોના તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યું છે અને તા. 31 જુલાઇ સુધીમાં યુકેના તમામ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માંગે છે.
શ્રી સુનકે કહ્યું હતું કે ‘’રસીકરણ અભિયાન પરની આપણી આ ગતિ જાળવી રાખવી જરૂરી છે. વાયરસ સામે રક્ષણ આપવાનો અર્થ છે કે આપણે પ્રતિબંધો હટાવવામાં સક્ષમ થઈશું, આપણી અર્થવ્યવસ્થાને ફરીથી ખોલી શકીશું અને રોજગાર બનાવવા અને વિકાસને ઉત્તેજીત કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીશું.’’