21 જુન 2023

ડૉ. ડોનાલ્ડ પામર કહે છે કે તમે ટ્રિપનું આયોજન કરી રહ્યાં હો, કુટુંબમાં ભેગા થવાનું હોય અથવા આ સમરમાં બહારનો આનંદ માણવા માટે તૈયાર હો, આપણે રસીકરણ વિશે વાત કરવાની જરૂર છે.

રસીઓ શું છે?

બ્રિટિશ સોસાયટી ફોર ઇમ્યુનોલોજીના એસોસિયેટ પ્રોફેસર ઓફ ઇમ્યુનોલોજી એન્ડ એજ્યુકેશન તથા કરિયર સેક્રેટરી ડૉ. પામર કહે છે, “રસી એ એવી બાબત છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વાઇરસને ઓળખવાનું અને તેનો બચાવ કરવાનું શીખવે છે.”

વિવિધ રસીઓ તમારા શરીરને વિવિધ રોગો સામે રક્ષણ આપવા માટે તાલીમ આપવામાં મદદ કરે છે. તેથી, જ્યારે તમે જે તે રોગના સંપર્કમાં આવો છો, ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ, બેક્ટેરિયા અથવા વાઇરસથી છુટકારો મેળવવા માટે જરૂરી એન્ટિબોડીઝ અને કોષો બનાવે છે. આનો અર્થ એ થઈ શકે છે કે તમને તે રોગ થતો નથી, અથવા જો તમને તે થાય છે, તો તે એટલો ગંભીર હોતો નથી, કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ તેનો સામનો કરવા માટે વધુ તૈયાર હોય છે.’’

આપણે કેવી રીતે જાણી શકીએ કે રસીઓ સલામત છે?

રસીઓ જુદી જુદી રીતે કામ કરે છે અને તેમાં વિવિધ ઘટકો હોય છે. COVID-19 રસી સહિત ઘણીમાં જીવંત વાઇરસ હોતા નથી. તેથી તેમાંથી કોવિડ મેળવવાનું અથવા તેને અન્ય લોકોને આપવાનું કોઈ જોખમ નથી. કેટલાક લોકોને ઈન્જેક્શનથી હાથમાં દુખાવો થાય છે, અથવા થાક લાગે છે, દુખાવો થઈ શકે છે અથવા માથાનો દુખાવો થઈ શકે છે, પરંતુ કોઈપણ આડઅસર સામાન્ય રીતે હળવી હોય છે અને સામાન્ય રીતે લાંબા સમય સુધી રહેતી નથી.

ચોક્કસ રસીમાંના ઘટકોની સંપૂર્ણ યાદી મેડિસિન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીની વેબસાઇટ પર મળી શકે છે. યુકેમાં ઉપયોગમાં લેવાતી તમામ રસીઓ સામાન્ય લોકોને આપવામાં આવે તે પહેલાં – વિવિધ ઉંમરના, લિંગ અને વારસાના – હજારો લોકો પર સખત પરીક્ષણોની શ્રેણીમાંથી પસાર થાય છે.

ડૉ. પામરે કહ્યું હતું કે ‘’બીજો પ્રશ્ન તેમને વારંવાર પૂછવામાં આવે છે કે કોવિડ-19 રસી અન્ય ઘણી રસીઓની સરખામણીમાં આટલી ઝડપથી કેવી રીતે વિકસિત થઈ શકે. વિશ્વભરમાં રસીની જરૂરિયાતને કારણે, દવાઓના નિયમનમાં સામેલ દરેક વ્યક્તિ મંજૂરીની પ્રક્રિયા અને સમાન પરીક્ષણો વધુ ઝડપથી પહોંચાડવા માટે એકસાથે આવ્યા હતા.’’

“બીજું મહત્વનું પરિબળ એ છે કે સંશોધકો પહેલાથી જ કોરોનાવાઇરસ અને તેને કેવી રીતે લક્ષ્ય બનાવવું તે વિશે ઘણું જાણતા હતા. તેથી, તેમને શૂન્યથી જ શરૂઆત કરવાની ન હતી અને ઘણી બધી માહિતી રીસર્ચર્સ વચ્ચે શેર કરવામાં આવી હતી.

શું રસીઓ નવી છે?

સદીઓથી રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વની પ્રથમ રસી, શીતળાની રસી 1796 માં બ્રિટિશ સર્જન એડવર્ડ જેનર દ્વારા રજૂ કરવામાં આવી હતી, અને કુદરતી રીતે શીતળાનો ચેપ મેળવનાર છેલ્લી વ્યક્તિ 1977માં હતી.

ટ્રાવેલ વેક્સીનેશન્સ શું છે?

કેટલાક દેશોને પુરાવાની જરૂર હોય છે કે તમે દેશમાં પ્રવેશ કરો તે પહેલાં તમને ચોક્કસ રોગો માટે રસી આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, કેટલાક દેશોને પુરાવાની જરૂર રહે છે કે તમને યલો ફિવર સામે રસી આપવામાં આવી છે, ખાસ કરીને જો તમે એવા દેશમાંથી મુસાફરી કરતા હો જ્યાંથી યલો ફિવરનો ચેપ લાગવાનું જોખમ હોય. GOV.UK વેબસાઇટ પર વિવિધ દેશોમાં પ્રવેશની આવશ્યકતાઓ વિશેની માહિતી છે. રસીને અસરકારક બનાવવા માટે, તમે મુસાફરી કરો તેના થોડા અઠવાડિયા પહેલા કેટલીક રસી લેવી શ્રેષ્ઠ રહે છે. ઉપરાંત, જો તમે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યાં હો, તો તમારી GP પ્રેક્ટિસ તમને તમારી સાથે લઇ જવાની જરૂર હોય તેવી કોઈપણ દવા વિશે સલાહ આપી શકે છે.

અન્ય કેવા રસીકરણો રજૂ કરાય છે?

ટ્રાવેલ વેક્સીન ઉપરાંત, તમે ચૂકી ગયા હોય તેવી નિયમિત રસી હોઈ શકે છે, ઉદાહરણ તરીકે, 70 ના દાયકાના લોકોને ઓફર કરવામાં આવતી દાદર સામે રક્ષણ આપવા માટેની રસી અથવા બાળકો અને પુખ્ત વયના લોકોને આપવામાં આવતી ઓરી, ગાલપચોળિયાં (મીસલ્સ, મમ્પ્સ) અને રૂબેલા સામેની રસી. જો તમે અચોક્કસ હો તો તમારી GP પ્રેક્ટિસ તપાસ કરી શકે છે કે, તમે, તમારા બાળકો અથવા કુટુંબના અન્ય સભ્યએ તેમની બધી નિયમિત રસીઓ મેળવેલી છે કે કેમ અથવા તમે ચૂકી ગયા હો તે રસી બુક કરાવી શકો છો. શ્રેષ્ઠ સુરક્ષા માટે તમને જે ડોઝ ઓફર કરવામાં આવે છે તે તમામ ડોઝ હોવા મહત્વપૂર્ણ છે.

ડૉ. પામર બાળકો માટે સલાહ આપે છે કે, “તેમને કઈ રસી આપવામાં આવી છે કે નહિં તે તપાસવાની બીજી રીત છે, બાળકના હેલ્થ રેકોર્ડને વાંચવો, જેને રેડ બુક તરીકે પણ ઓળખવામાં આવે છે. NHS દ્વારા પૂરી પાડવામાં આવેલ રસીકરણની સંપૂર્ણ યાદી અને તે ક્યારે લેવી તેની માહિતી NHS.UK વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે”.

શું COVID-19 સામે મારી જાતને બચાવવામાં મોડું થઈ ગયું છે?

ના, તમારી પાસે 30 જૂન 2023 સુધી તમારા માટે અથવા પરિવાર માટે કોવિડ-19 રસી મેળવવાનો સમય છે, જો તમે અથવા તેમણે:

  • માત્ર એક જ કોવિડ-19 રસી મેળવી હોય, અથવા બિલકુલ ન લીધી હોય.
  • હજુ સુધી ઓટમ રસી ન લીધી હોય અને તમે કાં તો 75 વર્ષથી વધુ ઉંમરના હો, નબળા રોગપ્રતિકારક તંત્ર સાથે પાંચ વર્ષથી વધુ ઉંમરના હો અથવા વૃદ્ધ વયના પુખ્ત લોકો માટેના કેર હોમમાં રહો છો.

પરંતુ ઝડપથી કાર્ય કરવું મહત્વપૂર્ણ છે – જુલાઈથી, કોવિડ-19 રસી ફક્ત એવા લોકોને જ આપવામાં આવશે જેમને વાઇરસનું જોખમ વધારે છે.

શા માટે અમુક રસીકરણ એક કરતા વધુ વખત કરવામાં આવે છે?

ડૉ. પામર કહે છે કે “કેટલાંક રસીકરણ જેમ કે કોવિડ-19 રસી, ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા સામે રક્ષણ આપવા માટે એમએમઆરના એક કરતાં વધુ ડોઝમાં આપવામાં આવે છે. રસીના વધારાના ડોઝ – અથવા બૂસ્ટર ડોઝ – ચોક્કસ રોગથી ગંભીર રીતે બીમાર થવા સામે લાંબા ગાળાનું રક્ષણ આપે છે”

“આ ચોક્કસ વાઇરસ સામે આપણી રોગપ્રતિકારક શક્તિની ઊંચી સંભાવનાને કારણે હોઈ શકે છે, અથવા રોગ પોતે જ બદલાઈ શકે છે, તેથી બીજી રસી ઓફર કરવામાં આવે છે, જે વાઇરસનો વધુ સારી રીતે સામનો કરે છે.”

તમારી COVID-19 રસી બુક કરવા માટે NHS એપનો ઉપયોગ કરો અથવા nhs.uk/COVIDVaccination પર ઓનલાઈન બુક કરો અથવા 119 ઉપર મફતમાં કૉલ કરો. તમે, તમારું બાળક અથવા કુટુંબના સભ્ય ચૂકી ગયા હોય તેવા અન્ય રસીકરણ અંગે સલાહ મેળવવા માટે, તમારી GP પ્રેક્ટિસ સાથે વાત કરો.

રસીકરણ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વધુ જાણવા માટે, બ્રિટિશ સોસાયટી ઑફ ઇમ્યુનોલોજી યુટ્યુબ ચેનલ પર ડૉ ડોનાલ્ડ પામરને દર્શાવતું આ એનિમેશન જુઓ.

જો તમને લાંબા ગાળાની સ્થિતિ હોય તો રસી શા માટે મહત્વપૂર્ણ છે – કિરીટ મિસ્ત્રી

કિરીટ લેસ્ટરના હેલ્થ ઇક્વાલિટી અને ડાયાબિટીસ કોમ્યુનિટી ચેમ્પિયન છે અને સાઉથ એશિયન હેલ્થ એક્શનના સ્થાપક છે.

મને 13 વર્ષ કરતાં વધુ સમયથી ટાઇપ 2 ડાયાબિટીસ છે અને મારી સ્થિતિને નિયંત્રિત કરવાની સૌથી મહત્વપૂર્ણ રીત છે સાવચેતીપૂર્વક સ્વ-સંભાળ અને સંચાલન. હું તબીબી સલાહનું પાલન કરું છું, તંદુરસ્ત આહાર લેવાનો પ્રયત્ન કરું છું અને ખાતરી કરું છું કે હું સક્રિય રહું અને દિવસના નિર્ધારિત સમયે દવા લેવાથી મને મારા બ્લડ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ એવા ચેપ માટે સંવેદનશીલ હોય છે જે આપણને ગંભીર રીતે બીમાર કરી શકે છે અને આપણને સાજા થવામાં વધુ સમય લે છે, તેથી મને અને પરિવારને બચાવવા માટે રસીઓ ખરેખર મહત્વપૂર્ણ છે. દર વર્ષે, મારી જીપી પ્રેક્ટિસ મને ફ્લૂની રસી માટે આમંત્રણ આપે છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં, તેઓ મને મોસમી COVID-19 રસીઓ માટે આમંત્રિત કરે છે. હું સુનિશ્ચિત કરું છું કે હું આ ઉપલબ્ધ થાય કે તરત જ તેને બુક કરાવું, કારણ કે હું સમજું છું કે તેના વિના, ગંભીર રીતે બીમાર થવાનું જોખમ વધારે છે.

મારા જોડિયા ભાઈને પણ ટાઈપ 2 ડાયાબિટીસ છે અને જ્યારે તેને 2021 માં કોવિડ થયો, ત્યારે તેને લગભગ 2 અઠવાડિયા સુધી સઘન સંભાળમાં રહેવું પડ્યું હતું. સદ્ભાગ્યે તે સ્વસ્થ થયો અને તેમ છતાં તેની પાસે હજી પણ કેટલાક લોંગ COVIDના લક્ષણો છે, અમે બંને મુસાફરી અને સક્રિય રહેવા સહિતની બાબતોનો આનંદ માણીએ છીએ. હું જાણું છું કે ખોટી માહિતીએ ઘણા લોકોને રસી વિશે યોગ્ય પસંદગી કરતા અટકાવ્યા છે. જો તમે કંઈપણ વિશે અચોક્કસ હો, તો હું હેલ્થ પ્રોફેશનલ્સ સાથે વાત કરવાની ભલામણ કરું છું અને ખૂબ મોડું થાય તે પહેલાં તમારા પ્રશ્નો પૂછીશ – 30મી જૂન મોટાભાગના લોકો માટે COVID-19 રસી મેળવવાની છેલ્લી તક હશે.

LEAVE A REPLY