વિશ્વભરમાં કોરોના વેક્સિનનો સપ્લાય આપીને ભારતે ઘણી ખ્યાતિ મેળવી છે પરંતુ ઘરઆંગણે વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. દેશે પોતાનો ટાર્ગેટ હાંસલ કરવા માટે રસીકરણની ગતિમાં મોટો વધારો કરવો પડશે.
ભારતમાં અમેરિકા પછી વિશ્વમાં બીજા ક્રમે કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે અને સરકારે ઓગસ્ટ સુધીમાં 300 મિલિયન લોકો (કુલ વસતીનો પાંચમો ભાગ)ને વેક્સિન આપવા લક્ષ્યાંક નક્કી કર્યો છે. જોકે ચાર સપ્તાહમાં માત્ર 7.5 મિલિયન ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન આપી શકાઈ છે. જો આ ગતિએ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલશે તો હેતુ હાંસલ કરવામાં ઘણા વર્ષો લાગી જશે.
નિષ્ણાતો જણાવે છે કે વેક્સિન પ્રોગ્રામનો પ્રારંભ સામાન્ય રીતે ધીમી ગતિએ થતો હોય છે. લોજિસ્ટિક્સ અને બીજા મુદ્દાના ઉકેલ બાદ તેની ઝડપમાં વધારો થતો હોય છે. ભારતે તેનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે હાલમાં આપવામાં આવે છે તેના ચારથી પાંચ ઘણા વધુ વ્યક્તિને દરરોજ વેક્સિન આપવી પડશે.
સરકારે જણાવ્યું હતું કે તે આગામી મહિનાથી વેક્સિનેશનમાં વધારો કરશે. વધુ ખાનગી હોસ્પિટલમાં આ કામગીરી ચાલુ થશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતે સૌથી વધુ ઝડપથી સાત મિલિયન લોકોને વેક્સિનનો આંક હાંસલ કર્યો છે. જોકે વસતીની સરખામણીમાં ઇમ્યુનાઇઝેશન બીજા ઘણી દેશોમાં ઘણું ઊંચું છે. તમિલનાડુ અને પંજાબ જેવા મોટા રાજ્યોમાં લક્ષ્યાંકના માત્ર 40 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે.
વિશ્વમાં કુલમાંથી 60 ટકા વેક્સિનનું ઉત્પાદન ભારતમાં થાય છે. ભારતે 17 દેશોને કોરોના વેક્સિનનો સપ્લાય આપ્યો છે અને વધુ પાંચ દેશોએ વેક્સિન માગી છે.