અમદાવાદમાં 16 જાન્યુઆરીએ 1,115 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને કોરોના વિરોધી વેકિસન આપ્યા બાદ સોફટવેર ‘કો-વીન’માં ખામી સર્જાતા રવિવાર અને સોમવારે વેકિસન આપવાની કામગીરી બંધ કરાઇ હતી. મંગળવારથી ફરી રસીકરણ ચાલુ થયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં દરરોજ રસી નહીં અપાય, પરંકુ સપ્તાહમાં માત્ર મંગળ, ગુરૂ અને શનિવારે ત્રણ દિવસ જ આપવામાં આવે તેવી ધારણા છે.
કોરોના રસીકરણના સંકલન માટેની કો-વીન સોફટવેરમાં પહેલે દિવસે 20 કેન્દ્રોની માહિતી ફીડ કરી હોવાથી તે 20ના આંકડા ઉપર જ હેંગ થઇ જતું હતું. તે સિવાયની માહિતી તેમાં ફીડ કરી શકાતી ના હતી. હવે નિષ્ણાતોએ તે ખામી દુર કરી હોવાનું હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનર ઓમપ્રકાશે જણાવ્યું હતું.
રસીકરણના પહેલા દિવસે અમદાવાદમાં 20 કેન્દ્રો પર પ્રત્યેક કેન્દ્ર ઉપરથી 100 ને વેકિસન આપવાનો લક્ષ્યાંક નક્કી થયો હતો, જે પ્રમાણે 2000 થાય, જેની સામે 1,115 ને વેકિસન આપી શકાઇ હતી. આ પૈકી પાંચ જેટલાને રિએકશનના હળવા લક્ષણો દેખાયા હતા. જેમને તાવ, ઉલ્ટી, હાથ-પગમાં દુખાવો, માથાનો દુખાવો, રસી અપાઇ હોય ત્યાં દુખાવો કે ખંજવાળ આવવા જેવી ફરીયાદો ઉભી થઈ હતી.