વિશ્વના 96 દેશો કોરોના વેક્સીન સર્ટિફિકેટને પરસ્પર માન્ય ગણવા ભારત સાથે સંમત થયા છે. ભારત સરકાર વિશ્વના બાકીના દેશો સાથે આ મુદ્દે મંત્રણા કરી રહી છે, જેથી વિશ્વની સૌથી મોટા કોરોના વેક્સિન પ્રોગ્રામના લાભાર્થીનો દુનિયામાં સ્વીકાર થાય અને માન્યતા મળે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે વેક્સિન સર્ટિફિકેટને પરસ્પર માન્ય ગણવાથી શિક્ષણ, બિઝનેસ અને ટુરિઝમના હેતુ સાથેનો પ્રવાસ સરળ બનશે. હાલમાં 96 દેશો વેક્સિન સર્ટિફિકેટને પરસ્પર માન્ય ગણવા માટે સંમત થયા છે. આ ઉપરાંત કોવિશીલ્ડ અને WHO માન્ય તથા રાષ્ટ્રીય સ્તરે માન્ય કોરોના વેક્સિન સાથે ફુલી વેક્સિનેટેડ પ્રવાસીઓના વેક્સિન સર્ટિફિકેટને બીજા ઘણા દેશોએ માન્ય કર્યાં છે.
તેનાથી આ દેશોમાંથી પ્રવાસ કરતાં વ્યક્તિઓને આગમન સમયે કેટલીક છૂટછાટ મળશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 20 ઓક્ટોબર 2021ના રોજ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર માટે જારી કરેલી ગાઇડલાઇન મુજબ આ છૂટછાટ મળશે. વિદેશમાં પ્રવાસની યોજના ધરાવતા વ્યક્તિઓ કોવિન પોર્ટલ પરથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
વેક્સિન સર્ટિફિકેટને પરસ્પર માન્ય ગણવા સંમત થયા છે તેવા દેશોમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, આર્યલેન્ડ, નેધરલેન્ડ, સ્પેન, બાંગ્લાદેશ, માલી, ઘાના, સિએરા લીઓન, અંગોલા, નાઇજિરિયા, બેનિન, ચાડ, હંગેરી, સર્બિયાા, પોલેન્ડ, સ્લોવાક રિપબ્લિક, સ્લોવેનિયા, ક્રોએશિયા, બલ્ગેરિયા, તુર્કી, ગ્રીસ, ફિનલેન્ડ, ઇસ્ટોનિયાા, રોમાનિયા, માલ્ડોવા, ચેક રિપબ્લિક, સ્વિત્ઝર્લેન્ડ, સ્વીડન, ઓસ્ટ્રિયા, મોન્ટેનેગ્રો અને આઇસલેન્ડ સહિતના દેશોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રવાન્ડા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, માલાવી, બોત્સવાના, નાબિબિયા, બેલારુસ, આર્મેનિયા, યુક્રેન, આઝરબૈજાન, કઝાખસ્તાન, રશિયા, જ્યોર્જિયા, એન્ડોરા, કુવૈત, ઓમાન, યુએઇ, બહેરિન, કતાર, માલદીવ્સ, કોમોરોસ, શ્રીલંકા, મોરેશિયસ, પેરુ, જમૈકા, બહામાસ અને બ્રાઝિલનો પણ સમાવેશ થાય છે.
ભારતે વેક્સિન સર્ટિફિકેટ માન્ય ગણવા માટે ગુયાના, એન્ટિગુઆ, મેક્સિકો, પનામા, કોસ્ટા રિકા, નિકારગુઆ, આર્જેન્ટિના, ઉરુગ્ગે, પેરાગ્વે, કોલંબિયાા, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, કોમનવેલ્થ ઓફ ડોમિનિકા, અલ-સાલ્વાડોર, હોન્ડુરાસ, ડોમિનિકન રિપબ્લિક, હૈતી, નેપાળ, ઇરાન, લેબોનોન, સિરિયા, સાઉથ સુદાન, ટ્યુનિશિયા, સુદાન, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા, મોંગોલિયા અને ફિલિપાઇન્સ પણ સંમત થયા છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલય વેક્સિન સર્ટિફિકેટને પરસ્પર માન્ય ગણવા માટે તમામ દેશો સાથે સતત મંત્રણા કરી રહ્યાં છે. તેનાથી દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ અવરોધ મુક્ત થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કોરોના રસીકરણની ગતિ અને તેના વ્યાપમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. 21 ઓક્ટોબર 2021ના રોજ વેક્સિનના 100 કરોડ ડોઝની ઐતિહાસિક સિદ્ધી મેળવવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 109.08 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.