ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં સતત ભારે વરસાદને પગલે મંગળવારે વધુ 11ના મોત થયા હતા. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિને પગલે અનેક મકાનો ધરાશાયી થયા હતા અને ઘણા લોકો કાટમાળમાં ફસાયા હતા. છેલ્લાં બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓનો મૃત્યુઆંક વધીને 16 થયો હતો. લોકપ્રિય પ્રવાસન સ્થળ નૈનીતાલનો રાજ્યના બાકીના વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, કારણ કે ભુસ્ખલને કારણે ત્રણ રોડ બ્લોક બ્લોક થઈ ગયા હતા.
રાજ્યના મુખ્યપ્રધાન પુશ્કર સિંહ ધામીએ દહેરાદૂનમાં જણાવ્યું હતું કે વાદળ ફાટવાથી અને ભુસ્ખલને કારણે વરસાદ સંબંધિત ઘટનામાં મંગળવારે 11 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો કાટમાળમાં ફસાયા છે. સોમવારે પાંચના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 16 થયો છે.
રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યમાં આર્મીના ત્રણ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. નેનિતાલ જિલ્લામાં બે હેલિકોપ્ટર મોકલવામાં આવશે. નેનિતાલમાં ભારે વિનાશ સર્જાયો છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે મંગળવારે જણાવ્યું હતું કે નૈનિતાલ જિલ્લાના મુક્તેશ્વર અને ખૈરના વિસ્તારના તોતાપાણી અને ક્વારવ ગામમાં ભારે વરસાદને કારણે બે મકાનો ધરાશાયી થયા હતા અને તેનાથી સાત લોકોના મોત થયા હતા. ઉઘમ સિંહ નગર જિલ્લાના બાજપુર વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક વ્યક્તિ તણાઇ ગયો હતો. અલમોરા જિલ્લામાં ભેટ્રોજખાન વિસ્તારના રાપડ ગામમાં મકાનના કાટમાળમાં ચાર વ્યક્તિ ફસાયા હતા. ચમોલી જિલ્લાના જોશીમઠ નજીક ભુસ્ખલથી ત્રણ મહિલા સહિત ચાર મજૂરો ફસાયા હતા. એક મહિલાને ઇજા થઈ હતી, જ્યારે બાકીના મજૂરો સુરક્ષિત છે.
મુખ્યપ્રધાને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન ધન સિંહ રાવત અને સ્ટેટ ડીજીપી અશોક કુમાર સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યપ્રધાન જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિની જાણકારી મેળવવા માટે તેમને ફોનકોલ કર્યો હતો અને તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી.
નૈનીતાલના એક્ઝિટ માર્ગ બ્લોક થયા છે. કોસી નદી ઓવરફ્લો થતાં રામનગર-રાણીખેત રૂટ પરની લેમન ટ્રી રિસોર્ટમાં પાણી ભરાયા હતા અને આશરે 100 લોકો ફસાયા હતા. નૈનીતાલ જિલ્લામાં વીજળી, ટેલિકોમ અને ઇન્ટરનેટ કનેક્શનને પણ અસર થઈ હતી.
નૈનીતાલમાં 900 મીમી, હલ્દવાણીમાં 128 મીમી, કોશ્યાકુટોલીમાં 86.6 મીમી, અલમોરામાં 216.6 મીમી અને જાગેશ્વરમાં 176 મીમી વરસાદ વરસ્યો હતો.
છેલ્લાં ત્રણ દિવસમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે આ પર્વતીયાળ રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ ઓવરફ્લો થતાં રોડ અને મકાનોમાં પાણી ભરાયા છે, અનેક બ્રિજ ધોવાઈ ગયા છે. તેનાથી અનેક સ્થાનિક રહેવાસીઓ પ્રવાસીઓ દૂરના અને જોખમી સ્થળો પર ફસાઇ ગયા છે. ચાર ચારધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે.
ભારે વરસાદને પગલે નેપાળના ત્રણ મજૂરો સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. આ મજૂરો પૌરી જિલ્લામાં રહેતા હતા અને ભેખડો ઘસી પડતાં તેમના મોત થયા હતા. ઉત્તરાખંડના ચંપાવતમાં પાણીના ભારે પ્રવાહને કારણે નિર્માણાધીન પુલ તણાઇ ગયો હતો.
ઉત્તરાખંડ સરકાર દ્વારા હવામાન સારું થાય ત્યાં સુધી ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. હિમાલયના મંદિરો તરફ જતા વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. નૈનીતાલ નજીક વીરભટી મોટર બ્રિજ પાસે અનેક કાર અને ટ્રક કાટમાળ નીચે દટાયા હતા.