(PTI24-06-2020_000055B)

દેશના અલગ અલગ ભાગોમાં ગુરૂવારે વાવાઝોડાંની સાથે વરસાદે ભારે તારાજી સર્જી છે. વરસાદને પગલે વાવાઝોડું ત્રાટકતાં ગુરૂવારે બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક ભાગમાં વીજળી પડવાથી 100થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. બિહારમાં વીજળી પડતાં 83 લોકોના અને ઉત્તર પ્રદેશમાં 23નાં મોત નીપજ્યાં છે. વીજળી પડતાં અનેક લોકો ગંભીર રીતે દાઝી પણ ગયા છે. બીજીબાજુ આસામમાં પૂરના કારણે હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા પર આવી જવું પડયું છે.

રાજ્યમાં પૂરમાં વધુ એકનાં મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 12 થઈ ગયો છે. વરસાદના કારણે અંદાજે 38,000થી વધુ લોકોએ સલામત સૃથળે ખસવાની ફરજ પડી છે. દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંડીગઢમાં સમય કરતાં વહેલું ચોમાસુ પહોંચ્યું છે.

બિહારમાં ગુરૂવારે 23 જિલ્લામાં વીજળી પડવાના કારણે પૂર્વ બિહારમાં 22 અને ઉત્તર બિહારમાં 23 લોકોનાં મોત થયા છે. બાકીના મોત અન્ય જિલ્લાઓમાં થયા છે. બિહારમાં આ મૃત્યુઆંક હજી વધવાની આશંકા છે. બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારોને રૂ.4 લાખની સહાયની જાહેરાત કરી છે.

હવામાન વિભાગે પહેલાંથી જ આ વિસ્તારોમાં ભારે વરસાદની એલર્ટ આપી હતી. હવામાન વિભાગમાં 30.6 મિલીલીટર વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અંદાજે 100 મિ.લી. વરસાદનો અંદાજ છે. હવામાન વિભાગની એલર્ટ મુજબ ગુરૂવારે અરરિયા અને કિશનગંજ જિલ્લાને રેડ ઝોનમાં રખાયા છે. પૂર્વીય ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સિવાન સારણ, મધુબની, મુઝ્ફ્ફરપુર, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર, સુપૌલ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાને ઓરેન્જ ઝોનમાં રખાયા છે.

પૂર્વ બિહાર, કોસી અને સીમાંચલમાં ગુરૂવારે બપોરે વરસાદ પડયા પછી વીજળી પડતાં 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેમાં ભાગલપુરમાં પાંચ, બાંકામાં ચાર, જમુઈમાં એક, ખગડિયામાં એક, કિશનગંજમાં એક, પૂર્ણીયામાં પાંચ, અરરિયામાં એક, સુપૌલમાં બે, સહરસામાં એક અને મધેપુરામાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

એ જ રીતે ઉત્તર બિહારમાં ગુરૂવારે ધોધમાર વરસાદ થયો હતો. વરસાદમાં વીજળી પડતાં 23નાં મોત નીપજ્યાં હતાં અને આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઉત્તર બિહારમાં ગોપાલગંજમાં 13, પૂર્વી ચંપારણમાં પાંચ, સિવાનમાં છ, દરભંગામાં પાંચ, બાકામાં પાંચના વીજળી પડતાં મોત નીપજ્યાં હતાં.

ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી સૌથી વધુ મોત ગોરખપુરમાં થઈ છે. ભારે વરસાદ દરમિયાન વીજળીની ઝપેટમાં આવી જતાં ગોરખપુર વસ્તી મંડળમાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને નવ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ બધા જ લોકો તેમના ખેતરમાં કામ કરતા હતા. તેમાં સૌથી વધુ નવ લોકોનાં મોત દેવરિયામાં થયા છે. સિદ્ધાર્થનગર જિલ્લામાં ત્રણ અને કુશીનગરમાં એક વ્યક્તિનાં મોત થયા છે. વીજળી પડવાથી ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

દરમિયાન આસામમાં ભારે વરસાદને કારણે અલગ અલગ જિલ્લાઓમાં નદીઓનું જળસ્તર જોખમી સ્તરની નજીક પહોંચી ગયું છે. ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદીનું પાણી એલર્ટના નિશાનથી એક મીટર નીચે છે. જોકે, નદીનું જળસ્તર ઝડપથી ઉપર તરફ વધી રહ્યું છે. પૂરના કારણે 100થી વધુ ગામોમાં પાણી ભરાઈ ગયા છે. આ પૂરના કારણે અંદાજે 5,031 હેક્ટર ભૂમિનો પાક નાશ પામ્યો છે.

કોરોના સંકટ વચ્ચે પૂરના વિનાશને પગલે આસામ સરકારે અનેક જગ્યાએ રાહત શિબિરોની વ્યવસૃથા શરૂ કરી છે. વધુમાં હવામાન વિભાગે ગુરૂવારે જણાવ્યું હતું કે દિલ્હી, હરિયાણા, ચંડીગઢમાં બે દિવસ વહેલાં ચોમાસુ બેસી ગયું છે. આગામી કેટલાક દિવસ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે ઉમેર્યું હુતં કે આગામી સમયમાં રાજસૃથાન, ઉત્તર પ્રદેશના બીજા કેટલાક ભાગો, હિમાચલ પ્રદેશ, સંપૂર્ણ દિલ્હી, હરિયાણા અને પંજાબના ભાગોમાં ચોમાસુ આગળ વધશે. જોકે, આ વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસમાં વરસાદ હળવો રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બિહારના 38 જિલ્લામાં આગામી કેટલાક દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે.