ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 70થી 47 બેઠકો પર ભવ્ય વિજય થયો છે, પરંતુ તેના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીનો ખાતિમા બેઠક પરથી 6,579 મતથી પરાજય થયો છે. આ બેઠક પર તેઓ અગાઉ સતત બે વખત વિજયી બન્યા હતા.
રાજ્યમાં કોંગ્રેસ સામેના ચૂંટણીપ્રચારમાં ભાજપનું નેતૃત્વ કરનારા નેતાના પરાજયથી ભાજપ માટે નવા મુખ્યમંત્રી શોધવાનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે.
ભાજપને સત્તા પરથી દૂર કરવાના મિશન પર રહેલી કોંગ્રેસ પુનરાગમન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. રાજ્યમાં કોંગ્રેસને માત્ર 19 બેઠકો મળી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 57 અને કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. રાજ્યમાં કોંગ્રેસે ચૂંટણીપ્રચારની કમાન હરીશ રાવતને સોંપી હતી. કોંગ્રેસના આ પીઢ નેતા પોતાના પક્ષને તો જીત અપાવી શક્યા નથી, પરંતુ પોતાની બેઠક પર પણ હારી ગયા છે. હરીશ રાવતનો લાલકુવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહન સિંહ બિશ્ત સામે 17,527 મતે પરાજય થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમનો પરાજય થયો હતો. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ નૈનિતાલની બેઠક પર તેઓ હાર્યા હતા.
ઉત્તરાખંડની ચૂંટણીનું બીજી મહત્ત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીએ રાજ્યના મતદાતાને વચનોની લ્હાણી કરી હતી અને મોટાપાયે પ્રચાર પણ કર્યો હતો, પરંતુ રાજ્યમાં આપને એકપણ બેઠક મળી નથી. પાર્ટીએ તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના ડેપ્યુટી મનીષ સિસોદિયાએ અનેક ચૂંટણીસભા કરી હતી થતા 300 યુનિટ સુધી મફત વીજળી, બેરોજગારી ભથ્થુ, મહિલાઓને માસિક ભથ્થુ અને મફતમાં ધાર્મિક યાત્રા જેવા વચનો આપ્યા હતા.