હાર્મની ક્રિએશન્સ દ્વારા પ્રસ્તુત અને આર્ટસ કાઉન્સિલ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા સપોર્ટેડ સંગીત અને કલાની ઉજવણી માટેના ‘ઉત્સવ 2024’ કાર્યક્રમનું શાનદાર આયોજન આગામી તા. 21મી જુલાઇ રવિવારના રોજ હેરો આર્ટસ સેન્ટર ખાતે બપોરે 3 કલાકે કરવામાં આવ્યું છે.
સાઉથ એશિયન સંગીત અને કલાના તહેવાર “ઉત્સવ 2024’’નું આયોજન આગામી સમરને અનુરૂપ છે. તેનો ઉદ્દેશ્ય UK ના ઘણા અદ્ભુત કલાકારોને આગળ લાવવાનો અને પ્રેક્ષકોમાં શાસ્ત્રીય કલાની પ્રશંસાને જગાવવાનો છે. આ વર્ષે ઉત્સવ-24માં શ્રીતી સ્વાતિ નાટેકરના માતા અને ગુરુ તથા “ઉત્સવ” કાર્યક્રમના પ્રણેતા વિદુષી ડૉ. સુશીલા પોહનકરના (1924 – 2007) જીવન અને કાર્યની ઉજવણી કરાશે.
અસાધારણ કલાકાર, એક પ્રોફેશનલ ગાયક, સંગીતકાર અને એક એકેડેમિક તરીકે ડૉ. સુશીલા પોહનકરે તેમના અસંખ્ય વિદ્યાર્થીઓની સફરને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની જન્મશતાબ્દી નિમિત્તે, યુકેમાં ભારતીય શાસ્ત્રીય કલાના વાઇબ્રન્ટ ઉત્સવમાં ત્રણ અગ્રણી મહિલા કલાકારો પોતાનો જાદુ પાથરનાર છે.
પ્રખ્યાત કથક નૃત્યાંગના અશ્વિની કાલસેકર તેમના ઉભરતા વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમની શરૂઆત થશે. અશ્વિની કથક નૃત્ય “દેવી”ની પ્રસ્તુતિ સાથે શરૂઆત કરશે જે દેવી દુર્ગા પર આધારીત છે. તે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલ સરોદ પર દેબાસ્મિતા ભટ્ટાચાર્ય પોતાના સંગીતનો જાદુ પાથરી ભારતીય શાસ્ત્રીય રાગોની સુંદરતા ઉજાગર કરશે. સમી સાંજે પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર સ્વાતિ નાટેકર, “સુરમોહી”ના નામથી ડૉ. સુશીલા પોહનકર દ્વારા બનાવાયેલી કેટલીક સુંદર ભારતીય શાસ્ત્રીય અને ઠુમરી રચનાઓ રજૂ કરશે.
આ કલાકારોની સાથે હનીફ ખાન (તબલા), હરકીરત સિંહ બહારા (તબલા), રાકેશ ચૌહાણ (હાર્મોનિયમ) અને સતવિંદર પાલ સિંહ (સારંગી) જેવા અદ્ભુત સંગીતકારો પોતાનો જાદુ પાથરશે. તો અર્નિકા પરાંજપે કાર્યક્રમનું સંચાલન કરશે. ઇન્ટર્વલ દરમિયાન સ્થળ પરથી ફ5ડ ખરીદી શકાશે.
આ વર્ષે, ‘ઉત્સવ’ કાર્યક્રમ ડૉ. પોહનકરની સ્મૃતિમાં ડિમેન્શિયા યુ.કે. માટે ફંડ એકત્ર કરવા માટે સમર્થન આપી રહ્યો છે. મીડિયા પાર્ટનરશિપ માટે એશિયન મ્યુઝિક ગ્રૂપ અને ઈંગ્લેન્ડની આર્ટસ કાઉન્સિલનો તેમના ઉદાર સમર્થન માટે આભારી છે.
ટિકિટ www.harrowarts.com/whats-on પર બુક કરી શકાય છે.