ગુજરાત સરકારે ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને સંખ્યાબંધ નિયમો સાથેની નવી ગાઇડલાઇન શુક્રવારે જારી કરી હતી. આ ગાઇડલાઇન મુજબ ઉતરાયણની ઉજવણી માટે જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં કે પતંગ ચગાવી શકાશે નહીં. બિલ્ડિંગના રહેવાસીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓને ફ્લેટના ધાબા અને રહેણાક સોસાયટીઓના ખુલ્લા મેદાનમાં એકઠા થવા દેવામાં આવશે નહીં, જો આનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન જવાબદાર રહેશે.
સરકારે જણાવ્યું છે કે ધાબાની સાઈઝ અલગ-અલગ હોવાના કારણે ધાબા પર કેટલા વ્યક્તિ રહી શકે તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ શકે તેમ નથી. 1.25 લાખ પરિવારો પતંગ બનાવવાના વ્યવસાયમાં છે અને આ વ્યવસાયનું ટર્નઓવર રૂ.625 કરોડ તેથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મૂકીને આવા પરિવારોની રોજીરોટી છીનવી શકાય નહીં.
સરકારે જારી કરેલા નિયમો મુજબ માસ્ક વગર બિલ્ડિંગ કે ફ્લેટના ધાબા પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં, આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર પણ ફરજિયાત રહેશે. ધાબા અને મેદાનોમાં મોટી સંખ્યામાં એકઠા થઈ શકાશે નહીં. લાઉડ સ્પીકર્સ અને મ્યૂઝિક વગાડી શકાશે નહીં.11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. સરકારને આ નિયમોના પાલન માટે પોલીસ ગોઠવાશે, સીસીટીવીથી નજર રાખવાની તેમજ ડ્રોનનો ઉપયોગ ઉપયોગ કરવાની પણ જાહેરાત કરી હતી.