લેસ્ટરના એવિંગ્ટનના સેન્ટ સેવિયર્સ રોડ પર રહેતા ઉસ્માન પટેલની હત્યા સંબંધે મંગળવાર, 15 ફેબ્રુઆરીના રોજ લેસ્ટરના ગ્રીન લેન રોડ પર રહેતા એક દંપત્તીએ ટ્રાયલ દરમિયાન જુબાની આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ‘’18 જુલાઈ, 2021 રવિવારની વહેલી સવારે, તેમના ઘરના પાછળના દરવાજા તરફ જતી ગલીમાં અવાજ આવતા તેમણે તપાસ કરતા ઉસ્માન પટેલ રસ્તા પર સ્થિર પડેલો જોયો હતો. તેમણે સીપીઆર કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બચી શક્યો ન હતો.
19 વર્ષના ઓમર નુર પર આરોપ છે કે તેણે 32 વર્ષના ઉસ્માન પટેલની હત્યા કરી હતી. શરીરના આગળ અને પાછળના ભાગે 21 વાર છરા મારી ઉસ્માનની હત્યા કરાઇ હતી. જો કે ઓમરે તે હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો હતો.
લેસ્ટરના વેસ્ટકોટ્સ વિસ્તારના ચાર્ટલી રોડ પર રહેતા નૂરે દાવો કર્યો હતો કે તેણે સ્વ-બચાવમાં વળતો હુમલો કર્યો હતો. આરોપ છે કે નૂર ડ્રગ ડીલિંગમાં સામેલ હતો અને તે સંબંધે ઉસ્માન પટેલને મળ્યો હતો.
જો કે પ્રોસિક્યુશનનો આરોપ છે કે નૂરે તેના હૃદય, ફેફસા અને લીવરને વીંધવા સહિતના ઘણા ઘા કર્યા હતા. તેણે આટલા બળથી ઘા કર્યા હતા કે ઉસ્માનના સ્ટર્નમ, પાંસળી અને કરોડરજ્જુના અન્ડરલાઇંગ હાડકાને નુકશાન થયું હતું. સ્વબચાવ માટે આટલા ઝનૂનથી કોઇ વાર કરી શકે નહિં.
ટ્રાયલ ચાલુ છે.