રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીનું રવિવારે નવી દિલ્હીમાં પરોપકાર અને કોર્પોરેટ સામાજિક જવાબદારી માટે 2023 ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માન કરાયું હતું. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં નીતા અંબાણીને પુરસ્કાર આપ્યો હતો. આ પ્રસંગે USISPFના ચેરમેન, ઇન્ડિયન બિઝનેસ લીડર્સ અને ભારત સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
નીતિ અંબાણીએ જણાવ્યું હતું કે “હું આ પુરસ્કાર પ્રાપ્ત કરીને ખૂબ જ સન્માનિત અને વિશેષાધિકૃત અનુભવું છું…રિલાયન્સ ફાઉન્ડેશન તરીકે અમે ભારતમાં 75 મિલિયન લોકો સુધી પહોંચ્યા છીએ અને મારા હૃદયની સૌથી નજીક જે બાબત છે તે મહિલાઓનું સશક્તિકરણ, અમારા નાના બાળકોને શિક્ષિત કરવા, બધા માટે શિક્ષણ અને રમતગમત છે. દરેક બાળકને રમવાનો અધિકાર અને શીખવાનો અધિકાર હોવો જોઈએ”
તેમણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ક્રિકેટનો ઓલિમ્પિક ગેમ્સમાં સમાવેશ કરવાના નિર્ણય પર આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે 128 વર્ષ પછી ક્રિકેટ 2028માં લોસ એન્જેલસ ઓલિમ્પિક્સમાં સામેલ થશે. નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું કે જો ભારત ક્રિકેટને અમેરિકા લઈ જશે તો તે બેઝબોલ ભારતમાં લાવી શકે છે.