અમેરિકાના H-1B વિઝાનો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ નાણાકીય વર્ષ 2024 માટે વધારાના રજિસ્ટ્રેશન્સની પસંદગી કરવાની જાહેરાત કરી હતી. અમેરિકન એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયથી ભારતીય પ્રોફેશનલ્સને વધુ લાભ થશે.
USCISએ જણાવ્યું હતું કે, અગાઉ કરાયેલા ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન્સમાંથી ‘રેન્ડમ સિલેક્શન પ્રોસેસ’ દ્વારા વધારાના ઉમેદવારોની પસંદગી કરાશે. ઉલ્લેખનીય છે કે, માર્ચમાં USCISએ 2023-24 માટે યોગ્ય રીતે કરાયેલા ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન્સમાંથી રેન્ડમ પસંદગી કરી હતી. હવે 2023-24ના પસંદ કરાયેલા રજિસ્ટ્રેશન્સવાળા ઉમેદવારો જ H-1B માટે અરજી કરવાને પાત્ર બનશે. આ વર્ષના પ્રારંભિક ફાઇલિંગ માટેનો સમય 1 એપ્રિલ, 2023થી 30 જૂન, 2023 સુધીનો હતો.
H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તે અમેરિકન કંપનીઓને વિશેષ બિઝનેસ માટે વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરવાની મંજૂરી આપી છે. ટેક્નોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો પ્રોફેશનલ્સની ભરતી કરે છે. USCISએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે તાજેતરમાં નક્કી કર્યું કે 2023-24ની ફાળવણી માટે વધારાના રજિસ્ટ્રેશન્સ પસંદ કરવાની જરૂર પડશે. અમે રેન્ડમ પસંદગીના આધારે અગાઉ કરાયેલા ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન્સમાંથી ટૂંક સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરીશું.” USCISએ વધુમાં જણાવ્યું હતું કે, “બીજી વખતની પસંદગી પ્રક્રિયા પૂરી થયા પછી અમે તેની જાહેરાત કરીશું. અમે આ રાઉન્ડ માટે પસંદ કરાયેલા તમામ અરજદારોને જાણ કરી છે.” પસંદ કરાયેલા રજિસ્ટ્રેશન્સવાળા ઉમેદવારોએ તેમના એકાઉન્ટ્સ અપડેટ કરવાના રહેશે. જેથી પસંદગીની નોટિસની જાણકારી મળી શકે. નોટિસમાં અરજી ક્યારે અને ક્યાં કરવી તેની માહિતીનો સમાવેશ થાય છે. અમેરિકન કોંગ્રેસની મંજૂરી મુજબ USCIS દર વર્ષે મહત્તમ 65,000 H-1B વિઝા ઇસ્યૂ કરી શકે. તે વધુ 20 હજાર H-1B વિઝા વિદ્યાર્થીઓને પણ આપી શકે તેવી જોગવાઈ છે.