અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા અમેરિકાની એજન્સીનો એક રિપોર્ટ ભારત સરકારની ચિંતા વધારી શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ કમીશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિઅસ ફ્રીડમ(USCIRF) એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં ભારતમાં ધાર્મિક ઉત્પીડનના મામલાઓમાં વધારો થયો હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય તેમાં CAA(સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ)ને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારતને ટિયર-2 કેટેગરીમાં રાખવામાં આવ્યું છે, જે ‘વિશેષ ચિંતાનો દેશ’ વાળી કેટેગરી છે.
USCIRFના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2018 બાદ ભારતમાં ધાર્મિક ઉત્પીડનના મામલાઓ વધ્યા છે. તેમાં કેટલાક રાજ્યોમાં ધાર્મિક સ્વતંત્રતાની બગડતી પરિસ્થિતિની વાત કરવામાં આવી છે, જોકે સરકાર તેને રોકવાનો પ્રયત્ન કરી રહી નથી.
રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્થિતિ કાબુમાં આવે તેવા નિવેદનો આપ્યા નથી અને તેમની પાર્ટીના સભ્યોના હિન્દુ સંગઠનો સાથે સંબંધ રહ્યો છે. આ નેતાઓએ જ ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો છે.
રિપોર્ટ દ્વારા અમેરિકાની સરકારે ભારત સરકારને કેટલાક સુચનો આપ્યા છે, જેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપનારને કડક સજા કરવા. પોલીસને મજબુત કરવામાં આવે જેથી યોગ્ય પગલા લઈ શકાય અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા જેવી વાત કહી છે. ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કરવા ઉપરાત સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું કે એક મોટા વર્ગમાં આ કારણે ડર છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારના સમયમાં ઘણી વખત એવા મામલાઓ આવ્યા છે, જ્યાં ધાર્મિક ઉત્પીડન થયું છે. આ સિવાય મોબ લિન્ચિંગ, બીફના નામે મારામારી, દલિત ઉત્પીડન જેવા મામલાઓ તો વિશ્વના વિવિધ મીડિયામાં છવાયા છે. USCIRF એ એક અમેરિકાની એજન્સી છે, જે વિશ્વના ધાર્મિક મમલાઓ પર રિપોર્ટ તૈયાર કરે છે. આ એજન્સી સીધો જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકીની સંસદ અને અમેરિકાની સીનેટને રિપોર્ટ આપે છે.