અમેરિકામાં એચ-૧બી અને એલ-૧ સહિત વિદેશી વર્ક વિઝા કામચલાઉ સસ્પેન્ડ કરવામાં આવતા પ.રપ લાખ નવી જોબ્સની તકો ઉભી થવાની ધારણા યુએસ વહીવટીતંત્રના સિનિયર અધિકારીએ વ્યક્ત કરી છે.પ્રમુખ ટ્રમ્પે વર્કવીઝા સંબંધિત જાહેરનામું બહાર પાડ્યા પછી અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી અર્થતંત્રને ફટકો પડતાં સ્થાનિક લોકો બનતી ઉતાવળે કામ ઉપર પાછા ફરે તે બાબત ઉપર પ્રમુખ ટ્રમ્પ ધ્યાન આપી રહ્યા છે.
ટ્રમ્પના જાહેરનામામાં એચ-૧બી, એચ-૪, એચ-ર બી, જે અને એલ-૧ સહિતના નોન ઇમિગ્રન્ટ વીઝા આ વર્ષના ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એચ-૧ બી એ હાઇ-ટેક વીઝા છે. એચ-૪ વીઝા એ એચ-૧-બી અને એચ-રબીના આશ્રિતો માટેના વીઝા છે. એલ વીઝા એ કંપનીઓની આંતરિક બદલીને લગતા વીઝા છે.અમેરિકામાં રાજ્યાશ્રય કે આશરો મેળવવાની પદ્ઘતિમાંની છટકબારીઓ બંધ કરાઇને આ વ્યવસ્થાની સાફસૂફીથી પણ અમેરિકનો માટે વધુ રોજગારની તક ઉભી થશે.
ઇમિગ્રન્ટ્સની હકાલપટ્ટીના આદેશો અપાઇ ચૂકયા છે અથવા જેમણે ગુના કર્યા છે તેવા લોકોની વર્ક પરમિટ નાબૂદ કરવા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરિટીને આદેશ અપાયા છે. આ કેટેગરીમાં પણ અમેરિકનો માટે પ૦૦૦૦ રોજગારની તકો ઉભી થશે. કોરોના મહામારી પછી અર્થતંત્રની ગાડીને પુનઃ પાટા ઉપર ચઢાવવા પ્રમુખ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ રીકવરીની તેમની યોજનાના ભાગરૂપે જ વર્કવીઝા સસ્પેન્ડ કર્યા હોવાનું વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું.
અમેરિકન નાગરિકો માટે રોજગાર સંબંધિત પ્રમુખ ટ્રમ્પની નીતિને વધુને વધુ લોકોનું સમર્થન હોવાનું વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું. દરમિયાનમાં મેરીલેન્ડની વોશિંગ્ટન પોસ્ટ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે ૬પ ટકા લોકોએ વર્કવીઝા કામચલાઉ અટકાવવાનું પગલું આવકાર્યું છે. પ્યુ રીચર્સ સેન્ટરના સર્વે પ્રમાણે ૮૧ ટકા લોકોએ માસ ઇમિગ્રેશન પ્રવર્તમાન મહામારીમાં ખતરારૂપ ગણાવ્યું હતું.