અશ્વેત અમેરિકન જ્યોર્જ ફ્લોઈડનું પોલીસના ઘાતક બળપ્રયોગથી મોત થયા પછી અમેરિકા સળગી રહ્યું છે. કેટલાંય મોટા શહેરોમાં લૂંટફાટ, તોફાનો અને આગ ચાંપવાના બનાવો બન્યા છે. હિંસાની આગ રાજધાની વોશિંગ્ટન ડીસી અને વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ચૂકી છે. સ્થિતિ બેકાબૂ થતાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન લશ્કર તહેનાત કરવાની ધમકી આપી છે.
ટ્રમ્પે કહ્યું કે જ્યોર્જ ફ્લોઈડની નિર્મમ હત્યાથી તમામ અમેરિકન્સ દુખી છે અને મનમાં એક આક્રોશ છે. જ્યોર્જ અને તેના પરિવારને ન્યાય અપાવવામાં કોઇ કસર છોડાશે નહીં. મારા વહિવટીતંત્ર તરફથી પૂરો ન્યાય મળશે. પરંતુ દેશના પ્રેસિડેન્ટ તરીકે મારી પહેલી પ્રાથમિકતા આ મહાન દેશ અને તેના નાગરિકોના હિતોની રક્ષા કરવાની છે.
અમેરિકાના અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડની હત્યા મુદ્દે મિનેસોટા રાજ્યમાં હિંસક આંદોલન વ્યાપ્યું છે. આંદોલનકારીઓ વ્હાઈટ હાઉસ સુધી પહોંચ્યા હતા. અશ્વેત નાગરિકો દ્વારા થઈ રહેલાં દેખાવોના કારણે વૉશિંગ્ટન સહિત અમેરિકાના ૪૦ કરતાં વધુ શહેરોમાં ગયા સપ્તાહે કર્ફ્યુ જાહેર કરાયો હતો. દેખાવો વખતે ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સલામતીના કારણોથી વ્હાઈટ હાઉસના બંકરમાં ખસેડાયા હતા.
અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિઆપોલીસ શહેરમાં પોલીસે અતિશય બળપ્રયોગ કરતાં જાહેર રોડ ઉપર જ અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડનું મૃત્યુ થયું હતું. એ પછી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની માગણી સાથે ઉગ્ર દેખાવો શરૂ થયા હતા. ધીમે ધીમે આ દેખાવો હિંસક બની ગયા અને તેની આગ છેક વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ગઈ હતી.
વ્હાઈટ હાઉસની સામે દેખાવો વધતા સલામતીનો પ્રશ્ન ઉદભવ્યો હતો. થોડીવાર માટે ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસના બંકરમાં ખસેડવા પડયા હતા. વૉશિંગ્ટન સહિત કેટલાય શહેરોમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે સંઘર્ષ થયો હતો. ૧૬ રાજ્યોમાં દેખાવો થયા હતા અને વૉશિંગ્ટન સહિતના ૪૦ કરતાં વધુ શહેરોમાં કર્ફ્યૂ જાહેર કરવો પડયો હતો.
અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડના સમર્થનમાં હિંસા આચરનારા સંગઠન એન્ટિફાને ત્રાસવાદી સંગઠન જાહેર કરાશે એવું ટ્વીટ કરીને ટ્રમ્પે કહ્યું હતું કે એન્ટિફા સંગઠન હિંસા ભડકાવે છે તેને ત્રાસવાદી સંગઠનોમાં સામેલ કરાશે અને તેની હિંસાની તપાસ થશે. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે આ સંગઠન ફાસિસ્ટ છે અને દેશમાં હિંસક રાજકીય એક્ટિવિટી કરે છે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે ગૂગલ વંશીય સમાનતાની તરફેણમાં છે. રંગભેદને ગૂગલ સમર્થન કરતું નથી. અશ્વેતો સાથે સમાનતાથી વર્તન ન થતું હોય તો એ ગંભીર બાબત છે. એટલું જ નહીં, ગૂગલ અને યુટયૂબના અમેરિકાના હોમપેજમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડના નિધન અંગે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ૨૬મી મેના રોજ મિનેસોટામાં પોલીસે છેતરપિંડીના ગુનામાં એક અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડની ધરપકડ કરી હતી. પોલીસે જાહેર રસ્તા પર તેને ઊંધો સૂવડાવીને તેની ગર્દન દબાવી રાખી હતી. શ્વાસ ન લઈ શકવાના કારણે તેનું ગૂંગળામણથી મોત થયું હતું. એ પછી પોલીસ સામે કાર્યવાહી કરવાની માગણીને લઈને અશ્વેતોએ દેખાવો કર્યા હતા.
જાહેર રોડ ઉપર બનેલી ઘટના પછી પણ મોત માટે જવાબદાર પોલીસ અધિકારી સામે પગલાં લેવામાં થયેલા ભારે વિલંબના કારણે લોકોનો આક્રોશ દાવાનળની જેમ ભડક્યો હતો, તો ટ્રમ્પના બેજવાબદાર, બેફામ ઉચ્ચારણોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું.