અમેરિકન વહીવટીતંત્રે વંદે ભારત મિશનની સ્વદેશગમન ફલાઇટો પર નિયંત્રણો લાદતા જણાવ્યું છે કે ભારત સરકારે અમેરિકન એરલાઇન્સને આવા જ ઉડ્ડયનો હાથ ધરતાં અટકાવવાનો ભેદભાવભર્યો વ્યવહાર કર્યો છે. યુએસ ટ્રાન્સપોર્ટ વિભાગનો આદેશ ૩૦ દિવસ પછી અમલમાં આવશે. આદેશમાં જણાવાયું હતું કે, અમેરિકાની એરલાઇન્સ સાથેના નિયંત્રણાત્મક અને ભેદભાવપૂર્ણ વ્યવહાર અંગે ૧૯મી મેએ રજૂઆત કરાઇ હતી પરંતુ ભારતીય સત્તાવાળાઓએ અમેરિકાની ચિંતા ધ્યાનમાં લીધી ન હતી.
યુએસ ટ્રાન્સપોર્ટના આદેશમાં જણાવાયું છે કે એર ઈન્ડિયાએ આવી સૂચિત ફલાઇટ્સના ૩૦ દિવસ પહેલાં સ્વદેશગમન ફલાઇટની મંજૂરી માટેની અરજી કરવી પડશે. નવા આદેશ અન્વયે એર ઈન્ડિયાએ અમેરિકા જતી અને આવતી સ્વદેશગામન ચાર્ટર ફલાઇટ માટે ૩૦ દિવસ પહેલાં મંજૂરી લેવી પડશે. જે અંગે એર ઈન્ડિયાને જાણ કરાઇ છે. હાલમાં એર ઈન્ડિયા એક માત્ર એવી એરલાઇન છે જેને તેના પોતાના વિમાન અને કર્મીઓ સાથે અમેરિકા જવા અને આવવા માટેની ફલાઇટ્સની મંજૂરી મળેલી છે.
વંદે ભારતના ત્રીજા તબક્કા દરમિયાન ૧રમી જૂનથી બીજી જુલાઇ દરમિયાન અમેરિકાના વિભિન્ન શહેરોથી ભારત માટે ૯૬ ફલાઇટો ચલાવવાની ભારતની યોજના છે. કોરોનાના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવાનો સૌથી મોટો કાર્યક્રમ વંદેભારત મિશન હેઠળ હાથ ધરાયેલો છે. જો કે આ ફલાઇટ્સને નવા આદેશથી કોઇ અસર નહીં થવાની પણ સ્પષ્ટતા કરાઇ છે.
ભારત ૧૮મી મે થી આવી સ્વદેશગમન ફલાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે.યુએસ ટ્રાન્સપોર્ટ વિભાગના આદેશમાં આક્ષેપ મૂકાયો હતોકે ડેલ્ટા એરલાઇન્સે સ્વદેશગમન ચાર્ટર ફલાઇટ માટે ર૬મી મેએ ભારત પાસે મંજૂરી માંગી હતી પરંતુ ડેલ્ટાને મંજૂરી મળી ન હતી. યુએસ એમ્બેસીએ ર૮મી મેએ ભારત સરકાર સમક્ષ વિરોધ પણ દર્શાવ્યો હતો.