અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બિડેનની ઉમેદવારી માન્ય રહી છે. બિડેનની ઉમેદવારી પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે પડકારજનક માનવામાં આવે છે.
77 વર્ષના પીઢ ડેમોક્રેટ 2009થી 2017 દરમિયાન બરાક ઓબાના શાસનમાં અમેરિકાના 47મા વાઇસ પ્રેસિડેન્ટપદે રહ્યા હતા. તેઓ ઓગસ્ટમાં વિસ્કોન્સિનમાં યોજાનારા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં ઔપચારિક રીતે ઉમેદવાર જાહેર થશે. અમેરિકામાં આ વર્ષે ત્રણ નવેમ્બરે પ્રેસિડેન્ટની ચૂંટણી થશે અને તેઓ 73 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ સામે હરિફ હશે.
અમેરિકા અત્યારે કોરોના મહામારી, આર્થિંક સંકટ અને હિંસક નાગરિક આંદોલનથી ઘેરાયેલું છે. આ સ્થિતિમાં ટ્રમ્પને પડકારવા બિડેનની ઉમેદવારીને બહાલી મળી છે. અમેરિકાના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ બિડેન પોતાની પાર્ટીના અસરકારક નેતા રહ્યા છે, કારણ કે ડેમોક્રેટિક પ્રાયમરીમાં તેમના અંતિમ હરિફ બર્ની સેન્ડર્સે એપ્રિલમાં જ પોતાના અભિયાનનો અંત લાવી દીધો હતો. પરંતુ સાત રાજ્યો અને કોલમ્બિયાના પ્રેસિડેન્ટ પદ માટે મંગળવારે યોજાયેલી પ્રાથમિક ચૂંટણી પછી બિડેને કુલ 3979 પ્રતિનિધિઓમાંથી 1991 પ્રતિનિધિઓના સમર્થન સાથે ઉમેદવારીની માન્યતા પ્રાપ્ત કરી હતી. આ પ્રાથમિક ચૂંટણીના ત્રણ દિવસ પછી બિડેનનો વિજય થયો હતો, કારણ કે, ચૂંટણીમાં મેઇલ બેલેટમાં ખૂબ જ વધારાને કારણે ઘણા રાજ્યોના પરિણામ આવવામાં વધુ દિવસ થયા હતા. બિડેન પાસે હવે 1993 પ્રતિનિધિઓ છે, જેમાં હજુ પણ આઠ રાજ્યો અને ત્રણ અમેરિકન પ્રદેશોમાં ચૂંટણી થવાની બાકી છે. અમેરિકામાં કોરોના વાઇરસના સંકટના કારણે બિડેનની ઉમેદવારીનો વ્યાપક પ્રચાર નથી કરાયો. જોકે, બિડેન આ અઠવાડિયે લગભગ બહાર જ રહ્યા હતા. કોરોના મહામારીને કારણે તેઓ છેલ્લા ત્રણ મહિનામાં મોટાભાગે વિલમિંગ્ટન, ડેલાવેરના ઘરમાં જ રહ્યા હતા.
પોતાને વધુ સમર્થન મળ્યા પછી બિડેને જણાવ્યું હતું કે, અમેરિકાના ઇતિહાસમાં આ કઠીન સમય છે અને તેનો જવાબ ટ્રમ્પનું આક્રમક અને વિભાજનકારી રાજકારણ નથી. દેશ નેતૃત્વ ઇચ્છે છે, એવું નેતૃત્વ જે બધાને સાથે લઇને ચાલે. બિડેન ભારત અને અમેરિકાના સંબંધોના હિમાયતી રહ્યા છે. 2008માં તેમણે એક સેનેટર તરીકે ઐતિહાસિક અણુ કરારની તરફેણમાં મતદાન કર્યું હતું. તેઓ 2003માં ભારત ગયા હતા.
અમેરિકામાં અત્યારે બેરોજગારીનો દર સૌથી વધારે ખરાબ છે. જ્યોર્જ ફ્લોઇડના વિવાદસ્પદ મૃત્યુ પછી અમેરિકામાં હિંસક દેખાવો થયા હતા.