લાખો વિદેશી વિદ્યાર્થીઓના ભાવિને અંધકારમય કરતા નિર્ણય પછી હવે અમેરિકાના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વિદેશી નાગરિકો માટે મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ સ્થાપિત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર વિષે વિચારણા કરી રહ્યાં છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કર્યા પ્રમાણે તેઓ અમેરિકી કામદારોના હિતોની સુરક્ષા માટે મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ સ્થાપિત કરવાના વહિવટી આદેશ અંગે વિચારણા કરી રહ્યાં છે.
પ્રમુખે એમ પણ કહ્યું છે કે તેઓ ડીએસીએ, ચુસ્ત સરહદી સુરક્ષા અને કાયમી મેરિટ આધારિત સુધારાઓ પરના ખરડા વિષે અમેરિકી સંસદ સાથે મળીને કામ કરવા ઇચ્છે છે. જોકે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં રાજ્યાશ્રયનો સમાવેશ થતો નથી. વિપક્ષ ડેમોક્રેટ્સ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવોનો સતત વિરોધ કરી રહ્યાં છે કારણ કે તેઓ અમેરિકાની સરહદો ખુલ્લી રાખવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિમૂન્ડો ન્યૂઝ ચેનલને મુલાકાત આપ્યા પછી વ્હાઇટ હાઉસનું આ નિવેદન જારી કરાયું હતું.
મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું ઇમિગ્રેશન પર એક એક્ઝિક્યુટિવ આદેશ પર કામ કરી રહ્યો છું જેમાં બાળપણમાં અમેરિકામાં આવી ગયેલા વિદેશીઓને નાગરિકતા આપવાનો રોડમેપ પણ સામેલ હશે. એક સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ એરાઇવલ્સ (ડીએસીએ) પ્રોગ્રામ પણ ઇમિગ્રેશન અંગેના નવા ખરડાનો હિસ્સો હશે. આ ખરડો ઘણો મોટો અને સારો રહેશે. આ એક મેરિટ આધારિત ખરડો હશે. હું માનું છું કે આ ખરડાથી લોકો ઘણા ખુશ થશે.
આ ખરડાના ઘણા પાસાઓમાં ડીએસીએનો પણ સમાવેશ હશે જે બાળપણમાં અમેરિકા આવેલા વિદેશીઓ માટે નાગરિકતાનો રોડમેપ બની રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં ડેમોક્રેટ્સ સાથે એક કરાર કર્યો હતો પરંતુ તેમણે તે કરાર તોડી નાખ્યો છે. બે વર્ષ પહેલાં જ ડીએસીએનો અમલ થઈ ગયો હતો પરંતુ ડેમોક્રેટ્સે કરાર તોડી નાખ્યો હતો. તેમણે કોર્ટમાં કેસ કર્યો હતો અને તેમાં તેમને થોડો વિજય મળતાં તેમણે કરારને હાંસિયામાં ધકેલી દીધો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રમુખને ઘણી સત્તાઓ આપી છે. સુપ્રીમ કોર્ટે પ્રમુખને આપેલી સત્તા અનુસાર હું નવો ઇમિગ્રેશન કાયદો લાવી રહ્યો છું.