અમેરિકન નેવીના 26 યુદ્ધ જહાજમાં ક્રુના કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. અન્ય 14 જહાજના ક્રુમાં પણ વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે, પરંતુ જે ક્રુ મેમ્બર્સ તેનો ભોગ બન્યા હતા તે હવે સ્વસ્થ છે તેવું નેવીના એક વરિષ્ઠ અધિકારીએ સીએનએનને જણાવ્યું હતું. કોરોનાના કેસ સાથેના આ 26 જહાજ અત્યારે બંદર પર છે અથવા મેઇન્ટેનન્સ માટે યાર્ડ્સમાં છે. નેવીએ ડિફેન્સ ડિપાર્ટમેન્ટની નીતિ મુજબ લોકહિતમાં જહાજના નામ અને કેસની સંખ્યા જાહેર કરી નથી.
અત્યારે જે 90 જહાજ સમુદ્રમાં છે તેમાં કોઇ કેસ નોંધાયો નથી, અને નેવી પાસે 297 યુદ્ધ જહાજ ફરજ પર તૈનાત છે. ગત બુધવારે સવારે યુએસ સર્વિસના 3,578 સભ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમાંથી બે લોકોના મોત થયા હતા. અંદાજે 800 કેસ વિદેશથી આવ્યા હતા અને એક એક જહાજનો કર્મચારી પણ મૃત્યુ પામ્યો હતો.
રૂઝવેલ્ટ એરકાક્ર્ટ કેરીયરમાં ચાર હજાર કરતા વધુ સેઇલર્સ હતા અને તેમને પરત મોકલવામાં આવ્યા હતા. તેઓ તેમનો 14 દિવસનો આઇસોલેસન સમય પૂર્ણ થયા પછી ફરીથી જહાજમાં પરત જવાના હતા પરંતુ 120 સેઇલર્સનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને રોકવામાં આવ્યા છે. આથી હવે નેવીએ નક્કી કર્યું છે કે, જ્યાં સુધી તમામ કર્મચારીઓ સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમને જહાજ પર મોકલવા નહીં.
સીએનએનને મળેલા એક સંદેશામાં પેસિફિક ફ્લીટ કમાન્ડર એડમિરલ જોન એક્વિલિનોએ તેમના દળને જણાવ્યું છે કે, કેટલાક કર્મચારીઓ મુક્ત થયા પછી તેમનો પોઝિટિવ ટેસ્ટ આવે તેવી શક્યતા હોવાથી ક્રુ મેમ્બર્સને આઇસોલેસન અને ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા રોકવામાં આવી છે.
આ મહિનાની શરૂઆતમાં રૂઝવેલ્ટના કમાન્ડર કેપ્ટન બ્રેટ ક્રોઝિઅરની તેમના જહાજમાં આ વાઇરસ ફેલાવવા અંગે યોગ્ય પગલા ન લેવા બદલ હકાલપટ્ટી કરવામાં આવી હતી. ગત અઠવાડિયે નેવી અને સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા રૂઝવેલ્ટની ઘટનામાં તપાસ શરૂ કરવામાં આવી છે.