પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે જાહેર આરોગ્યના નિષ્ણાતોના અભિપ્રાય, સલાહને માન આપી કોરોના વાઈરસનો રોગચાળો નિયંત્રણમાં લેવા માટે દેશમાં સ્વૈચ્છિક લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવ્યું છે. નિષ્ણાતોએ ગંભીર ચેતવણી આપી હતી કે, કોરોના સામેના જંગમાં પુરતા પ્રયાસો નહીં કરાય તો અમેરિકામાં રોગચાળાનો મૃત્યુઆંક 100,000થી પણ વધુ થઈ શકે છે. ટ્રમ્પના વલણમાં આ મહત્ત્વનો ફેરફાર છે, કારણ કે તેના માટે તો દેશમાં રાબેતા મુજબના જીવન વ્યવહારની પુનઃ સ્થાપના વધારે મહત્ત્વની હતી. સરકારે જાહેર કરેલા 15 દિવસનાે પહેલા લોકડાઉનનો તબક્કો સોમવારે (30 માર્ચ) પુરો થયો હતો. લોકડાઉનની મુદતમાં વધારો એ વાસ્તવિકતાની સ્વિકૃતિ છે કે ટ્રમ્પ વધુ પડતા આશાવાદી હતી.
બીજી તરફ, ફેડરલ સરકારની તુલનાએ અનેક રાજ્યો અને શહેરો ત્યાંની સ્થાનિક સરકારોએ ટ્રમ્પના સ્વૈચ્છિક લોકડાઉનમાં ઘણા કડક પ્રતિબંધો અમલી બનાવ્યા છે.એકલા સોમવારે એક જ દિવસમાં સમગ્ર અમેરિકામાં કોરોના વાઈરસથી બિમાર લોકોનો મૃત્યુઆંક 541નો થયો હતો, તે સાથે કુલ મૃત્યુ આંક 3000થી વધુનો થયો હતો. દેશમાં કોરોના વાઈરસથી બિમાર લોકોની સંખ્યામાં પણ સોમવારે એક જ દિવસમાં 20,000થી વધુના ઉમેરા સાથે કુલ સંખ્યા 1,63,000ની થઈ હતી. સોમવારની સ્થિતિ મુજબ જ અમેરિકામાં વિશ્વના કોઈપણ અન્ય દેશ કરતાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે અને હજી થોડા દિવસો સુધી તો એ સંખ્યામાં વધારો થતો જ રહેવાનો.
અગાઉના અહેવાલો મુજબ તો પ્રેસિડેન્ટ ટ્રમ્પની ઈચ્છા એવી હતી કે, ઈસ્ટર સન્ડે સુધીમાં (12 એપ્રિલ સુધીમાં) દેશમાં રાબેતા મુજબનો જીવન વ્યવહાર પાછો ધબકતો થઈ જાય. કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખથી વધુ થતાં અમેરિકા ભયભીત છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખીએ તો દેશમાં 22 લાખ સુધી મોત થઇ શકે છે. આ આંકડો 1 લાખ પર રોકી લઇએ તો પણ એમ માનજો કે આપણે સારું કામ કર્યું છે. ટ્રમ્પે સોશિયલ ડિસ્ટન્સિંગના દિશાનિર્દેશોના પાલન માટેનો સમયગાળો 30 એપ્રિલ સુધી લંબાવી દીધો છે. તેમણે લોકોને હૈયાધારણ આપી કે 1 જૂનથી આપણે રીકવરીના માર્ગે હોઇશું.
સોમવારે, 30 માર્ચે કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા બાદ ટ્રમ્પે કહ્યું કે 12 એપ્રિલે ઇસ્ટર છે. ત્યાં સુધીમાં દેશમાં મૃત્યુઆંક ચરમસીમાએ હશે. આ બીમારીને હરાવવા સુધી આનાથી ખરાબ સ્થિતિ નહીં થાય. ડૉક્ટર્સે સલાહ આપી છે કે હાલ અમેરિકામાં નિયંત્રણો નહીં લાદીએ તો 2 લાખથી વધુ મોત થઇ શકે છે. ટોચના ઇન્ફેક્શન એક્સપર્ટ ડૉ. એન્થની ફૉસીએ સાયન્ટિફિક મોડલિંગના આધારે આ આકલન કર્યું છે. અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. અહીં અત્યાર સુધીમાં 9 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે.