અમેરિકાએ સોમવારે જણાવ્યું છે કે, જે વિદેશી વિદ્યાર્થીઓના ક્લાસ કોરોનાવાઈરસના રોગચાળાના કારણે સંપૂર્ણપણે ઓનલાઇન થઈ ગયા તેમને અમેરિકામાં રહેવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, નોનઇમિગ્રન્ટ F-1 અને M-1 વિદ્યાર્થીઓના કોર્સ ઓનલાઇન થઈ ગયા હોય તો સંપૂર્ણ કોર્સ ઓનલાઇન ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ જ અમેરિકામાં રહી શકશે.
નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, અમેરિકામાં જે વિદ્યાર્થીઓના કોર્સ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગયા હોય તેમણે દેશ છોડવો અનિવાર્ય છે અથવા સ્કૂલ ટ્રાન્સફર જેવા અન્ય વિકલ્પો અપનાવવા પડશે. આ મુજબના ફેરફારો નહીં કરે તેમની સામે ઇમિગ્રેશનના નિયમોના ભંગની કાર્યવાહી થઈ શકે છે.
નિવેદનમાં વધુ જણાવ્યું છે કે, સ્ટેટ ડિપાર્ટમેન્ટ સ્કૂલ અને-અથવા અન્ય સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને નવા પ્રવેશ માટે વીસા ઇસ્યુ કરશે નહીં. યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન પણ આ વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશની મંજૂરી નહીં આપે. આઇસીઇના જણાવ્યા મુજબ એફ-1 સ્ટુડન્ટ્સ એકેડેમિક કોર્સવર્ક કરે છે અને એમ-1 વિદ્યાર્થીઓ વોકેશનલ કોર્સવર્ક કરી શકે છે.
અમેરિકાની મોટાભાગની કોલેજીસ અને યુનિવર્સિટીઝે હજુ સુધી સેમેસ્ટર માટે તેમના આયોજનો જાહેર કર્યા નથી. હાર્વર્ડ યુનિવર્સિટી જેવી કેટલીક સંસ્થાઓએ ઓનલાઇન ક્લાસ લેવાનું કહ્યું હતું. હાર્વર્ડે જણાવ્યું હતું કે, 40 ટકા અંડરગ્રેજ્યુએટ્સને કેમ્પસમાં આવવા માટે મંજૂરી આપવામાં આવશે અને તેમને સૂચના ઓનલાઇન આપવામાં આવશે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશન (IIE)ના જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2018-19માં અમેરિકામાં એક મિલિયન કરતા વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હતા. આ સંખ્યા અમેરિકાની કુલ ઉચ્ચ શિક્ષણ વસ્તીના 5.5 ટકા જેટલી હતી. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમેરિકાના અર્થતંત્રમાં 44.7 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું. આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના ચીન, ભારત, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબીયા અને કેનેડાથી આવે છે.