અમેરિકામા કોરોના વાઇરસનો રોગચાળો એટલો વ્યાપક બન્યો છે કે એકલા ન્યૂયોર્ક શહેરમાં જ ચીન અને બ્રિટનમાં છે તેના કરતાં વધારે દર્દીઓ અને મૃત્યુ આંક છે. મંગળવારે બપોર સુધીના આંકડાઓ મુજબ એકલા ન્યૂ યોર્કમાં 1,96,000 થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ અને 10,000થી વધુના મોત નોંધાયા હતા. સમગ્ર અમેરિકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5,88,000 થી વધુની તેમજ કુલ મૃત્યુ આંક લગભગ 23, 700 જેટલો નોંધાયો હતો.
તેના પગલે આખરે સોમવારે પ્રેસિડેન્ટ ટ્રમ્પે સમગ્ર અમેરિકામાં ઇમર્જન્સી જાહેર કરવી પડી હતી. ટ્રમ્પની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. અમેરિકામાં હાલ ૧.૭ કરોડ લોકોની નોકરી જોખમમાં છે.
અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત ૫૦ રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. ટ્રમ્પે ઈમરજન્સીની જાહેરાત કરી તેમાં જો કે ગંભીરતા ઓછી અને નાટકીય ઢબ વધારે જણાઈ હતી. અમેરિકામાં કોરોના વાઈરસના રોગચાળાની ઈમરજન્સી હેઠળ ફેડરલ સરકાર 50 બિલિયન ડોલર્સના ફંડનો ઉપયોગ રોગચાળા સામે લડવા માટે ઉપયોગ કરી શકશે. જો કે, ફેડરલ સરકારે કરી તેના કરતાં વધારે કડક પગલાંની જાહેરાત અને રાજ્યોએ કરી છે. ઈમરજન્સીમાં આગામી સપ્તાહે દેશમાં જરૂરત અનુસાર પાંચ લાખ જેટલા વધુ કોરોના ટેસ્ટ્સ કરાશે, સ્થાનિક અમેરિકન સ્ટુડન્ટ્સની તમામ લોન્સ ઉપર આગામી નોટીસ સુધી વ્યાજ માફ કરાશે, લોકોને સહાય માટે હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટીવ્સના સ્પીકર નાન્સી પેલોસીએ વાઈટ હાઉસ સાથે કરેલી સમજુતી મુજબ કોરોનાનો ભોગ બનેલા લોકોને બે સપ્તાહ સુધીની પગાર સાથેની સીક લીવ, ત્રણ મહિના સુધીની પગાર સાથેની ફેમિલી લીવ, જેમની પાસે ઈન્સ્યુરન્સ ના હોય તેવા લોકોને ફ્રી વાઈરસ ટેસ્ટિંગ તથા ફૂડ એઈડનો સમાવેશ થાય છે.
બીજી તરફ ટ્રમ્પની અને રાજ્યોના ગવર્નર્સની સત્તા અંગે સવાલો ઉભા થતાં ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે તેની સત્તા સર્વોપરિ છે, તો રાજ્યોના ગવર્નર્સ માને છે કે તેમના રાજ્યમાં તેઓ વધુ સત્તા ધરાવે છે. આ વિવાદ એ મુદ્દે જાગ્યો છે કે, ટ્રમ્પ આગામી તા. 1લી મેથી અનેક પ્રતિબંધો હળવા કરવા માંગે છે, તો રાજ્યો તેની સાથે સંમત નથી. અમેરિકાનું બંધારણ પણ એ બાબતે સ્પષ્ટ છે કે, જાહેર વ્યવસ્થા અને સલામતીની સત્તા રાજ્યો પાસે છે. અને સંખ્યાબંધ નિષ્ણાતોના મતે રાજ્યો દ્વારા પ્રતિબંધો ફરમાવાયા હોય તેવી પ્રવૃત્તિઓની મંજુરી ફેડરલ સરકાર જે તે રાજ્યમાં તો આપી શકે નહીં.