અમેરિકાના ચેપી રોગોના નિષ્ણાત અને વાઈટ હાઉસના હેલ્થ એડવાઈઝર ડો. એન્થની ફૌસીએ સોમવારે વાઈટ હાઉસમાં કોરોના વાઈરસના રોગચાળાની સ્થિતિ અંગેના મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસનો રોગચાળો ચાર મહિના પહેલા શરૂ થયો એ વખતે જે સ્થિતિ હતી, તેના સંદર્ભમાં આપણે વાત કરવાની હોય તો એ રીતે જોતાં અગાઉ જેવી સ્થિતિમાં અમેરિકા અને સમગ્ર વિશ્વ ક્યારેય પાછું આવી શકશે નહીં એવું પોતે માને છે. તેનું કારણ એ છે કે, સમગ્ર વિશ્વમાં આ વાઈરસની રસી દરેક વ્યક્તિને સુલભ બને ત્યારે જ પહેલા જેવી સ્થિતિ પાછી આવી શકે, કારણ કે હવે એવી પ્રબળ શક્યતા છે કે આ વાઈરસની બિમારી દર વર્ષે શિયાળામાં દેખા દેશે.
દેશમાં સોમવારે મળતા અહેવાલો અનુસાર 3.68 લાખથી વધુ લોકો કોરોનાના ચેપનો ભોગ બની ચૂક્યા હતા અને મૃત્યુ આંક 11,000નો થઈ ચૂક્યો હતો. તો વિશ્વભરમાં કોરોનાના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 13 લાખથી વધુની અને મૃત્યુઆંક લગભગ 76 હજારનો થઈ ગયો હતો.
સોમવારે ડો. ફૌસીના સંબોધન પછી પ્રેસિડેન્ટ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, આ કટોકટીમાંથી અમેરિકા વધુ સબળ, વધુ શક્તિશાળી બનીને બહાર આવશે. જો કે, દેશની ફેડરલ સરકારે જાહેર કરેલા સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાંનો અંત નક્કી થયા મુજબ 30 એપ્રિલે આવશે કે કેમ તે વિષેના પ્રશ્નનો ટ્રમ્પે કોઈ જવાબ આપ્યો નહોતો. સોમવારે અમેરિકામાં વિવિધ રાજ્યોની સ્થિતિ જોઈએ તો મિશિગનમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 17,221 અને મૃતકોની સંખ્યા 727ની હતી.
ન્યૂ યોર્કમાં તે આંકડા 131,815 અને 4,758; કનેક્ટીકટમાં 5,675 અને 189, વોશિંગ્ટનમાં 8,354 અને 383, કેલિફોર્નિયામાં 16,347 અને 388, નેવાડામાં 1,970 અને 46, ઈલિનોઈસમાં 12,262 અને 308, લુઈસિયાનામાં 14,867 અને 512, ફલોરિડામાં 13,629 અને 254, મેસેચુસેટ્સમાં 13,837 અને 260 તથા ન્યૂ જર્સીમાં 41,090 અને 1,003ના હતા.
હાલમાં ન્યૂયોર્ક કોરોનાના રોગચાળાનું એપીસેન્ટર બની રહ્યું છે અને એ પછી મિશિગન, લુઈસિયાના તથા જ્યોર્જિઆ નવા હોટસ્પોટ્સ તરીકે ઉભરી રહ્યા હોય તેવા સંકેતો જણાય છે. જાણકારોના અંદાજો મુજબ અમેરિકામાં કોરોના વાઈરસના રોગચાળાનો ફેલાવો 15 એપ્રિલે તેની ચરમ સીમાએ – પીક ઉપર હશે અને તે તબક્કે દેશમાં હોસ્પિટલ્સમાં પથારીઓની સંખ્યામાં 36,000 તથા આઈસીયુમાં પથારીઓની સંખ્યામાં 16,000ની ઘટ વર્તાશે.
બીજી તરફ, યુકે – બ્રિટનમાં તો વડાપ્રધાન બોરિસ જ્હોનસનના કોરોનાના ચેપના લક્ષણો વકર્યા હતા, જેના કારણે તેમને સોમવારે મોડેથી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને આઈસીયુમાં દાખલ કરાયા હતા. જો કે, તેમની ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ્સની તબિયત સુધારા ઉપર છે અને ચિંતાજનક નથી તેવું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. હવે વડાપ્રધાન તરીકેની જવાબદારી ડોમિનિક રાબને સોંપાઈ છે.