અમેરિકામાં કોરોના કાળ બનીને તૂટી પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 1783 લોકોના મોત નીપજ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આકડો છે. અને અત્યાર સુધીમાં કુલ 16 હજાર લોકો અમેરિકામાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જે લોકોના મોત થયા છે તે પૈકી 11 ભારતીય પણ હતા જેમણે પોતાનો જીવ ગુમાવ્યો.
અમેરિકામાં ન્યૂયોર્ક કોરોના વાઈરસનું એપી સેન્ટર બન્યું છે. અહીંયા 1 લાખ 50 હજાર કરતા વધારે લોકો સંક્રમિત થયા છે. જ્યારે કોરોના વાઈરસનાં કારણે 6000 જેટલા લોકોએ ન્યુયોર્કમાં જીવ ગુમાવ્યો છે.કોરોના વાઈરસને કારણે વિશ્વભરમાં મૃત્યુ આંક 95 હજારને વટાવી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ વાઈરસથી 84 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1.6 મિલિયનથી વધુ છે. વિશ્વના વિવિધ દેશો ખરાબ સંજોગોમાં છે. અમેરિકા આ રોગચાળાથી સૌથી વધુ પીડિત છે. તે જ સમયે, ઇટાલી, સ્પેન અને જર્મની પણ કોરોનાના કેરથી બાકાત નથી.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વમાં 84,215 નવા લોકો સંક્રમિત થયા છે. તે જ સમયે, વિશ્વભરમાં 7,183 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત જીવલેણ કોરોના વાઈરસથી સંક્રમિત 48 હજારથી વધુ લોકો ગંભીર રીતે બીમાર છે. અત્યાર સુધીમાં, વિશ્વભરમાં કુલ 95,643 લોકો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, આ જીવલેણ વાયરસને કારણે 16,02,341 લોકોને ચેપ લાગ્યો છે.