અમેરિકામાં કોરોના વાઈરસના રોગચાળાથી 81,000થી વધારે લોકોનાં મોત નિપજ્યા હોવાનું જ્હોન હોપ્કીન્સ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે. અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક અન્ય કોઇ પણ દેશ કરતાં સૌથી વધારે છે. દેશમાં કોરોનાની ઝપટમાં 1.3 મિલિયનથી વધારે લોકો આવી ગયા છે. ન્યૂ યોર્ક સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય છે. ન્યૂ યોર્કમાં 26,600થી વધારે મોત નોંધાયા છે.
આ સંજોગોમાં, અમેરિકાના ટોચના આરોગ્ય અધિકારી એન્થની ફૌસીએ સેનેટ સમક્ષ જુબાની વખતે ચેતવણી આપી હતી કે, અર્થતંત્રને વહેલું ખુલ્લુ મૂકવામાં આવશે તો લોકો માટે બિનજરૂરી વધુ યાતના અને મોતનું જોખમ આવી પડી શકે તેમ છે.
ફૌસીએ જણાવ્યું હતું કે, ‘ઓપન અમેરિકા અગેઈનની માર્ગદર્શિકા’માં કોઇ ચેકપોઇન્ટ ભૂલી જવાશે તો તેનાથી દેશભરમાં કોરોના ઉપદ્રવ હજુ વકરવાની ભીતિ છે. તેના પરિણામે બિનજરૂરી યાતના અને મોત વધશે. અર્થતંત્રને કવેળા ખોલવાના પ્રયાસના ભયસ્થાનોનો સંદેશો ફૌસીએ સેનેટને આપ્યો હતો.
કોરોનાથી નિવારી શકાય તેવી જાનહાનિ ગણવાનો ‘ટ્રમ્પ ડેથ ક્લોક’નો દાવો
ન્યૂ યોર્ક ટાઇમ્સ સ્કવેર ખાતેના ઊભા કરાયેલા નવા બિલબોર્ડના રચઈતાએ જણાવ્યું છે કે પ્રમુખ ટ્રમ્પે વેળાસર ઝડપી કામગીરી કરી હોત તો કોરોનાની ભારે જાનહાનિ નિવારી શકાઇ હોત.
ફિલ્મનિર્માતા ઇ. જેરેસ્કીએ રચેલી ‘ટ્રમ્પ ડેથ ક્લોક’ ટાઇમ્સ સ્કવેર બિલ્ડીંગની છત ઉપર ઊભી કરાઈ છે. ટ્રમ્પ ડેથ ક્લોકના ટિકિંગ પ્રમાણે ટ્રમ્પ વહીવટીતંત્રે 16મી માર્ચના બદલે એક સપ્તાહ પહેલાં શાળાબંધી અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનો ફરજિયાત અમલ કરાવ્યો હોત તો આટલી ભારે જાનહાનિ અટકાવી શકાઇ હોત.
60 ટકા જાનહાનિ ટાળી શકાવા અંગે સ્પષ્ટતા કરતાં ન્યૂ યોર્ક સ્થિત ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે, ચેપીરોગના નિષ્ણાત ફૌસીએ એપ્રિલના મધ્યભાગે કરેલી ટિપ્પણીના પગલે નિષ્ણાતો દ્વારા વ્યક્ત થયેલા રૂઢિચૂસ્ત અંદાજના આધારે આ ગણતરી કરવામાં આવી છે.