અમેરિકામાં કોરોના પોઝીટીવના કેસો 1 મિલિયનથી (10 લાખ) વધારે તથા મૃત્યુઆંક 57000ને આંબી જવાની સ્થિતિ વચ્ચે ઘણા રાજ્યોએ લોકડાઉન ઉઠાવી લીધું છે તથા અન્ય રાજ્યો તે માર્ગે આગળ વધી રહ્યા છે. જ્યોર્જિયા, ઓકલાહોમા, અલાસ્કા અને દક્ષિણ કેરોલીનામાં કેટલાક સપ્તાહોના લોકડાઉન બાદ આર્થિક પ્રવૃત્તિ પુનઃ શરૂ થઇ ચૂકી છે.
મિનેસોટા અને મિસિસીપીમાં સોમવારથી કેટલાક વેપાર-ધંધા પુનઃ શરૂ થયા હતા તો કોલોરાડો, મોન્ટાના અને ટેનીસીએ નિયંત્રણો હટાવવાની યોજના જાહેર કરી હતી. વિશ્વભરમાં 3.04 મિલિયન કોરોના પોઝીટીવ કેસોને ધ્યાનમાં લેતા અમેરિકાના પોઝીટીવ કેસો વિશ્વના કેસો કરતાં ત્રીજા ભાગના થયાનું જણાવાયું હતું.
અમેરિકામાં સોમવારે 27,000 પોઝટીવ કેસો અને 1300ના મોત નોંધાયા હતા ત્યારે મિનેસોટા અને મિસીસીપીએ લોકડાઉનના નિયંત્રણો હટાવ્યા હતા. જોકે, આરોગ્ય નિષ્ણાતોએ વધતા માનવ સંપર્કો અને આર્થિક પ્રવૃત્તિ ચેપ વકરાવશે તેવી ચેતવણી આપી હતી.
મિસિસીપીમાં રીટેલ સ્ટોરો પુનઃ શરૂ કરવા મંજૂરી અપાઇ હતી. પરંતુ તે માટે કોઇ પણ સમયે 50 ટકા કસ્ટમરો હાજર હોય તેવી વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરાઇ હતી. મિનેસોટામાં જનતા સાથે સીધો વ્યવહાર ના હોય તેવા ઉદ્યોગોને છૂટ અપાઇ હતી. રીટેલ સ્ટોર બંધ રખાશે. ટેક્સાસમાં ગત સપ્તાહે જ નિયંત્રણો હટાવાયા હતા. ગવર્નરે સ્ટે-એટ હોમ ઓર્ડર 30મી એપ્રિલે પુરો થવાનું જાહેર કર્યું હતું.
ટેનીસી, જ્યોર્જિયા, અલાસ્કામાં રેસ્ટોરન્ટો શરૂ કરાતાં દરવાજા ઉપર જ થર્મલ ગનથી ચકાસણી તથા કસ્ટમર્સનો સંપર્ક સાધી શકાય તેવી માહિતી નોંધણી શરૂ કરાઇ હતી. વેર્મોન્ટ અને અન્ય રાજ્યોમાં કન્સ્ટ્રકશન વર્કરોને કામ કરવાની છૂટ અપાઇ હતી. ઓહાયોના ગવર્નર માઇક ડેવાઇને માસ્ક નહીં તો કામ કે સેવા નહીંનો આદેશ આપ્યો હતો. ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં લોકડાઉનને ક્રમશઃ પુનઃ શરૂ કરવાની હિમાયત કરી હતી.