વિશ્વના બે સૌથી શક્તિશાળી અર્થતંત્રો અમેરિકા અને ચીન વચ્ચે ગયા સપ્તાહે થયેલી વેપાર સમજૂતીથી વિશ્વના તમામ દેશોના અર્થતંત્રો રાહતના શ્વાસ લીધા છે. બે વર્ષથી ચાલી રહેલા વેપાર યુદ્ધનો અંત આવવાની શરૂઆત થવાથી ચાલુ વર્ષે અમેરિકામાં થનારી પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો થવાની શક્યતા છે.
સમજૂતી હેઠળ ચીન અમેરિકાની ૨૦૦ બિલિયન ડોલરની વસ્તુઓ ખરીદશે જેમાં ૪૦ થી ૫૦ બિલિયન ડોલરની કૃષિ પેદાશો પણ હશે ચીનની વસ્તુઓ પર અમેરિકાએ નાખેલી આયાત ડયુટીને કારણે અમેરિકનોને ચીનની વસ્તુઓ ખરીદવા પાછળ વધુ રકમ ચૂકવવી પડી રહી હતી.
આ સમજૂતી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ સેનેટમાં મહાભિયોગનો સામનો કરી રહ્યાં છે. અમેરિકા અને ચીન વચ્ચે થનારી પ્રથમ તબક્કાની વેપાર સમજૂતીમાં ચીન આગામી બે વર્ષ સુધી અમેરિકાની વધારાની ૨૦૦ બિલિયન ડોલરની વસ્તુઓ ખરીદશે તેમ અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે ૧૫ જાન્યુઆરીએ પ્રથમ તબક્કાની વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરશે.આ સાથે જ ૧૫ જાન્યુઆરીથી વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધના અંતની શરૂઆત થઇ છે. યુએસ ટ્રેઝરી પ્રધાન સ્ટીવન મ્નુચીન એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચીન આગામી બે વર્ષમાં અમેરિકાની ૨૦૦ બિલિયન ડોલરની વસ્તુઓ ખરીદશે. જેમાં ૪૦ થી ૫૦ બિલિયન ડોલરની કૃષિ પેદાશો પણ હશે.
તેમણે વધુમાં જણાવ્યું હું કે આ સમજૂતીથી અમેરિકાના ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. કેટલાક લોકો પ્રશ્ર કરી રહ્યાં છે કે શું અમેરિકન ખેડૂતો આટલી રકમના પાક ઉત્પન્ન કરી શકશે? તો તેના જવાબમાં સ્ટીવન મ્નુચીને જણાવ્યું હતું કે અમેરિકાના ખેડૂતો વધુ જમીન ખરીદીને વધુ ઉત્પાદન કરશે.
મ્નુચીને વધુમાં જણાવ્યું હતું કે જો ચીન નક્કી થયેલી સમજૂતી અનુસાર અમેરિકાની ૨૦૦ બિલિયન ડોલરની વસ્તુઓ ખરીદશે નહીં તો અમેરિકાના પ્રમુખ ફરીથી ચીન પર નવી ડયુટી નાખવાની સત્તા ધરાવે છે.
મ્નુચીને વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે બીજા તબક્કાની વેપાર સમજૂતી થશે નહીં ત્યાં સુધી હાલમાં જે ડયુટી નાખવામાં આવેલી છે તે ચાલુ રહેશે. જો કે બંને દેશો એકબીજાની વસ્તુઓ પર નવી ડયુટી નાખશે નહીં.