અમેરિકામાં ચાર લાખથી વધુ લોકો કોરોના વાઇરસના રોગચાળાથી ચેપગ્રસ્ત થયા છે અને હજ્જારોની સંખ્યામાં લોકોના મોત પણ થયા છે. હવે આ વાઇરસના રોગચાળાના પગલે ફરી ઊંડાણમાં પડેલો રંગભેદનો મુદ્દો ઉજાગર થયો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાઈરસના ચેપનું સૌથી વધુ પ્રમાણ આફ્રિકન-અમેરિકન્સમાં જણાયું છે.
અમેરિકન એડમિનિસ્ટ્રેશન તેના પડકારનો સામનો કરવા કાર્યરત છે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, આ વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ગંભીર હોવાથી તેઓ તે મુદ્દે ખૂબ જ ચિંતિત છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્સિઅસ ડિસીઝના ડાયરેક્ટર એન્થની ફૌસીએ જણાવ્યું હતું કે, લઘુમતિ સમુદાય અને આ રંગના લોકોમાં ડાયાબિટીઝ, હાયપરટેન્શન, ઓબેસિટી અને અસ્થમા જેવી બિમારીઓ તો પહેલેથી જ વ્યાપક હોવાથી દેખિતી રીતે કોરોનાના ચેપગ્રસ્તોમાં તેમનું પ્રમાણ વધુ છે. આ ઉપરાંત તેઓ જાહેર પરિવહન વ્યવસ્થાનો પણ વધારે ઉપયોગ કરતા હોવાથી તેમના આ ચેપ વધુ લાગે છે.
આ ખૂબ જ દુઃખદ છે અને અમે તે બાબતે ચિંતિત છે. અત્યારે અમે શક્ય એટલી સૌથી શ્રેષ્ઠ સારવાર આપવા સિવાય કંઇ કરી શકીએ તેમ નથી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં વ્હાઇટ હાઉસ દ્વારા લઘુમતિ સમુદાયમાં કોરોના વાઇરસના કેસનું પ્રમાણ કેટલું છે તેની માહિતી આપવામાં આવશે.
અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે જણાવ્યું હતું કે, આ આપત્તિનું જોખમ એ વાસ્તવિકતા દર્શાવે છે કે જે લોકોની તબિયત પહેલેથી જ નબળી છે તેમણે વધુ કાળજી રાખવી પડશે. આ વાઇરસને કારણે આફ્રિકન અમેરિકન્સના વધુ મોત થવાની સંભાવના જોતા લોસ એન્જલસ કાઉન્ટિએ ગત સપ્તાહે પ્રથમવાર આંશિક વંશીય વિશ્લેષણ રજૂ કર્યું હતું. એલ.એ. કાઉન્ટિના હેલ્થ ડાયરેક્ટર બાર્બરા ફેરરે જણાવ્યું હતું કે, કુલ વસતીના દરેક જૂથમાં આફ્રિકન અમેરિકન્સના મૃત્યુનો દર અન્ય કરતા થોડો વધુ જણાયો હતો.