અમેરિકા હવે સત્તાવાર રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો સભ્ય દેશ રહ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે WHOને આ અંગે પોતાનો લેખિત નિર્ણય પાઠવી દીધો છે. WHO અને અન્ય દેશો માટે આ એક જબરદસ્ત મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ટ્રમ્પ સરકારે કોરોના વાયરસ મહામારીના પગલે આરોપ લગાવ્યો હતો કે WHO ચીનને આધિન રહીને કામ કરી રહ્યું છે.
આ સાથે જ એપ્રિલ મહિનાથી અમેરિકી સરકારે WHOને ફંડિંગ કરવાનું બંધ કરી દીધુ હતું. અમેરિકી મીડિયાના જણાવ્યાં મુજબ ટ્રમ્પ સરકારે WHOને પોતાની સદસ્યતા પાછી ખેંચવા સંબંધિત પત્ર મોકલી દીધો છે. 6 જુલાઈ 2021 બાદ અમેરિકા WHOનો સભ્ય દેશ નહીં રહે.1984માં નક્કી થયેલા નિયમો મુજબ કોઈ પણ સભ્ય દેશ સદસ્યતા પાછી ખેંચે ત્યારે એક વર્ષ પછી જ તે દેશને WHO માથી અલગ કરી શકાય છે.
આ ઉપરાંત અમેરિકાએ WHOને બાકી રકમ પણ ચૂકવવાની રહેશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ મહિનામાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી અલગ થવાની જાહેરાત કરી હતી. WHOને અપાનારી રકમને પણ તત્કાળ પ્રભાવથી રોકવામાં આવી હતી. અમેરિકાનો આરોપ છે કે ચીનમાં કોરોના વાયરસની ઓળખ અને તેને મહામારી જાહેર કરવામાં WHOએ જાણી જોઈને વાર કરી. આ સાથે જ હવે WHO ચીની સરકારના ઈશારે કામ કરવા લાગ્યું છે.