અમેરિકના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને ચીનને ચેતવણી આપી છે કે જો ચીન યુક્રેન યુદ્ધમાં રશિયાને સમર્થન આપશે તો ચીન પર પ્રતિબંધો મૂકવામાં આવશે. અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને અમેરિકન સાર્વભૌમત્વનું અસ્વીકાર્ય ઉલ્લંઘન ગણાવીને તેની પણ આકરી નિંદા પણ કરી હતી.
જર્મનીમાં મ્યુનિક સિક્યોરિટી કાઉન્સિલની બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ પ્રધાન બ્લિન્કન અને ચીનના વરિષ્ઠ રાજદ્વારી વાંગ યી વચ્ચે શનિવારે બેઠક યોજાઈ હતી. તેમાં અમેરિકાએ આ ચેતવણી આપી હતી. આ મહિનાના પ્રારંભમાં બલૂન વિવાદ પછી આ પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક હતી.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે વિદેશ પ્રધાને યુએસના એરસ્પેસમાં ચીનના સર્વેલન્સ બલૂન દ્વારા અમેરિકાના સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાના અસ્વીકાર્ય ઉલ્લંઘન પર સીધી વાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું કે આવું બેજવાબદારીભર્યું કૃત્ય ફરી ક્યારેય ન થવું જોઈએ. બેઠક દરમિયાન બ્લિંકને સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા તેના સાર્વભૌમત્વના કોઈપણ ઉલ્લંઘનને સહન કરશે નહીં. ચીનનો હાઇ-એલ્ટિટ્યુડ સર્વેલન્સ બલૂન પ્રોગ્રામ વિશ્વ સમક્ષ ખૂલ્લો પડી ગયો છે. ચીને પાંચ ખંડોના 40થી વધુ દેશોની એરસ્પેસમાં ઘૂસણખોરી કરી છે.
જાસૂસી બલૂનના મુદ્દે અમેરિકા અને ચીનના સંબંધો વધુ વણસ્યા છે. ચીને અમેરિકાના આકાશમાં જાસૂસી બલૂન મોકલ્યું હતું અને અમેરિકાના યુદ્ધવિમાનોએ તેને તોડી પાડ્યું હતું. બલૂનની ઘટનાને કારણે બ્લિંકનને બેઇજિંગની આયોજિત મુલાકાત મુલતવી રાખી હતી. 5-6 ફેબ્રુઆરીની મુલાકાત પાંચ વર્ષમાં અમેરિકી વિદેશ મંત્રીની ચીનની પ્રથમ યાત્રા હતી.
ચીનના જાસૂસી બલૂનને તોડી પાડવા બદલ ચીને અમેરિકાની શનિવારે નવેસરથી ટીકા કરતા જણાવ્યું હતું કે બલૂન તોડી પાડવાની ઘટના અમેરિકાની તાકાતનો સંકેત આપતું નથી. શાસક ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સૌથી વરિષ્ઠ વિદેશ નીતિ અધિકારી વાંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પગલું એ દર્શાવતું નથી કે અમેરિકા મોટું અને મજબૂત છે. વાંગે બલૂન એપિસોડને અમેરિકાનું રાજકીય ફારસ ગણાવીને આક્ષેપ કર્યો હતો કે ચીનને અવરોધવા અને દબાવવા માટે અમેરિકા તમામ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યું છે. ચીન પોતાના જાસૂસી બલૂનનો ખંડન કરતું આવ્યું છે. જોકે અમેરિકા વધુ પુરાવા રજૂ કરી રહ્યું છે.
વાંગ સાથેની બેઠકમાં બ્લિન્કને રશિયા યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો ચીન રશિયાને મદદ કરશે અથવા પ્રતિબંધોમાંથી છટકવામાં સહાય કરશે તો ચીને તેના પરિણામો ભોગવવા પડશે.
મીટિંગ દરમિયાન, બ્લિંકને પુનઃપુષ્ટિ કરી હતી કે યુ.એસ.ની લાંબા સમયથી ચાલતી ‘વન ચાઈના’ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે બ્લિન્કને જણાવ્યું હતું કે તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ અને સ્થિરતા મહત્ત્વપૂર્ણ છે.