અમેરિકન ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના એક અધિકારીએ જણાવ્યું કે, યુએસ શીખ ભાગલાવાદી નેતા ગુરપતવંત સિંઘ પન્નુની હત્યા કરવાના કાવતરાના આરોપોમાં ભારત દ્વારા થઇ રહેલી તપાસના નિષ્કર્ષની રાહ જોઈ રહ્યું છે. ડીપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, ‘ભારત સરકારે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે અને તપાસ ચાલુ છે, અમે તપાસના પરિણામોની રાહ જોઈશું. પરંતુ અમે સ્પષ્ટ કર્યું છે કે આ એવી બાબત છે જેને અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને અમે માનીએ છીએ કે તેમણે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ.
મિલર અમેરિકન નાગરિક અને ભાગલાવાદી શીખ નેતા પન્નુની હત્યાના કાવતરામાં ભારત સરકારના અધિકારીઓ સામેલ હોવાના આરોપો પરના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “હું તમને ત્યાંની તપાસની વિગતો વિશે વાત કરવા માટે કેનેડિયન અધિકારીઓનો સંપર્ક કરવા કહીશ. આરોપ બાબતે હું ડીપાર્ટમેન્ટને વિગતવાર વિગતો રજૂ કરવા જણાવીશ.”
અમેરિકાના જાણીતા અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’ એ તાજેતરમાં અજાણ્યા સૂત્રોને ટાંકીને યુએસમાં પન્નુની હત્યાના કથિત કાવતરાના સંબંધમાં ભારતની રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના એક અધિકારીનું નામ ગયા વર્ષે આપ્યું હતું.
ભારત સરકારે આ રીપોર્ટની ટીકા કરીને આ તમામ દાવાઓને ફગાવ્યા છે અને કહ્યું છે કે રીપોર્ટમાં ગંભીર મામલામાં અયોગ્ય અને આધારહીન આરોપો મુકવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે થોડા દિવસ અગાઉ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, ‘સંબંધિત રીપોર્ટમાં એક ગંભીર બાબત પર અયોગ્ય અને પાયાવિહોણા આરોપો મુકવામાં આવ્યા છે. કથિત કાવતરા અંગે યુએસ દ્વારા આપવામાં આવેલી માહિતીની તપાસ માટે સરકાર દ્વારા રચિત ઉચ્ચ સ્તરીય સમિતિ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.’

LEAVE A REPLY